Cricket News: ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલી લાંબા સમયથી મેદાનથી દૂર છે. આ બન્ને ખેલાડીઓ T20 ક્રિકેટ અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. હાલ માત્ર વન-ડે ક્રિકેટ મેચમાં જ આ બન્ને આધારભૂત બેટ્સમેનોની જોડી જોવા મળી રહી છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ રોહિત શર્મા અને વિરાટ કોહલીના વન-ડે ક્રિકેટમાં ભવિષ્યને લઈને મોટી વાત કરી છે.
તાજેતરમાં જ 'દૈનિક જાગરણ'માં BCCIના આધારભૂત સુત્રોના જણાવ્યા પ્રમાણે એક અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. જેમાં જણાવ્યા મુજબ, ઓક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનારી વન ડે સિરીઝ બન્ને ખેલાડીઓની ઈન્ટરનેશનલ કરિયરની અંતિમ સિરીઝ હોઈ શકે છે.
જો કે એક ઈવેન્ટમાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, રોહિત અને વિરાટ કોહલીનો વન-ડેમાં શાનદાર રેકોર્ડ રહ્યો છે. મારું માનવું છે કે, જે સારું પ્રદર્શન કરશે, તે રમશે. જો બન્ને ખેલાડીઓ સારૂં પ્રદર્શન કરે છે, તો તેમને રમવું જ જોઈએ.
વધુમાં સૌરવ ગાંગુલીએ આગામી મહિને દુબઈમાં આયોજિત T20 એશિયા કપમાં ટીમ ઈન્ડિયાને પ્રબળ દાવેદાર માનતા જણાવ્યું કે, ભારતીય ટીમ ટેસ્ટમાં જેટલી મજબૂત છે, તેનાથી વધુ વન-ડેમાં મજબૂત છે. ભારતને દુબઈની પીચ પર હરાવવું ઘણું મુશ્કેલ છે.
ઈજાગ્રસ્ત ઝડપી બૉલર જસપ્રીત બુમરાહના ભવિષ્ય પર ઉઠી રહેલા સવાલને લઈને સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, હાલ જસપ્રીત 30-31 વર્ષનો છે અને હતુ પાંચ-છ વર્ષ આરામથી ક્રિકેટ રમી શકે છે. જો કે સતત પાંચ ટેસ્ટ મેચ રમવી તેના માટે મુશ્કેલ હોઈ શકે છે. બીજી તરફ ઝડપી બૉલર મોહમ્મદ સિરાઝ હવે રૉલ મૉડેલ બની ચૂક્યો છે.