Vadodara: વડોદરા શહેરમાં પાણીની અછતનો મુદ્દો યથાવત છે. ખાસ કરીને કારેલીબાગ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી પાણીનો પૂરવઠો ઓછા પ્રેશરથી અને વિક્ષેપ સાથે મળતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. જેના કારણે લગભગ 3000 પરિવારોને અસર થતાં આજે રહીશો સીધા કારેલીબાગ પાણીની ટાંકી પહોંચ્યા અને હંગામો કર્યો હતો.
સ્થાનિકોના ઉગ્ર રોષ વચ્ચે ભાજપના કાઉન્સિલર તથા શાસક પક્ષના નેતા મનોજ પટેલ અને કોંગ્રેસના અગ્રણી નિર્મલ ઠક્કર બંને ટાંકી પર દોડી આવ્યા હતા. જ્યાં મનોજ પટેલે સ્વીકાર્યું કે, બે દિવસના શટડાઉન બાદ પણ પાણીનો પૂરવઠો યોગ્ય રીતે મળી રહ્યો નથી. જેને લઇ નાગરિકોમાં નારાજગી છે. તેમણે ખાતરી આપી કે, અધિકારીઓ સાથે બેઠક કરીને સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવશે.
આ પણ વાંચો
બીજી તરફ કોંગ્રેસના નિર્મલ ઠક્કરે આક્ષેપ કર્યો કે, છેલ્લા છ મહિનાથી ભવાની, બોમ્બે પાર્ક, ગુલમર્ગ, દીપિકા, અક્ષતા, સાંઈ કૃપા, પુનિકા અને આનંદનગર સહિતની સોસાયટીમાં પાણીની ગંભીર સમસ્યા છે. વસ્તી વધવાનો અંદાજ હોવા છતાં ભાજપ શાસિત પાલિકાએ પાણી સપ્લાય માટે આગોતરા આયોજન નથી કર્યું.
જ્યારે પાણી પૂરવઠા અધિકારી હેમલસિંહ રાઠોડે જણાવ્યું કે, બે દિવસના શટડાઉન અને તહેવાર નજીક આવવાથી પૂરવઠામાં વિક્ષેપ થયો હતો. આમ છતાં ટાંકી પરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને આજે રહીશોની રજૂઆતોના આધારે સાંજે ચકાસણી કરી સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે. અગાઉ પણ અનેક સોસાયટીઓમાં પૂરવઠો સુધારવામાં આવ્યો છે અને જે નવા પ્રશ્નો સામે આવ્યા છે. તેનું નિરાકરણ તાત્કાલિક લાવવામાં આવશે.