Sheikh Hasina Statement on Suvendu Adhikari: ભારતીય જનતા પાર્ટીના નેતા સુવેન્દુ અધિકારીએ શનિવારે કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા છે. બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બની હોવાના આ ઐતિહાસિક પ્રસંગે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ સુવેન્દુ અધિકારીને ખાસ અભિનંદન પાઠવ્યા છે.
શેખ હસીનાનો મૈત્રીપૂર્ણ સંદેશ
શેખ હસીનાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, તેઓ પોતાની અને બાંગ્લાદેશની જનતા વતી સુવેન્દુ અધિકારીને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના પ્રચંડ વિજય અને મુખ્યમંત્રી બનવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પશ્ચિમ બંગાળના લોકોનો ચુકાદો સુવેન્દુ અધિકારીના મજબૂત અને લોકોલક્ષી નેતૃત્વ પ્રત્યેના ઊંડા વિશ્વાસનું પ્રતિબિંબ છે. આપણે સમાન ભાષા, સંસ્કૃતિ અને વારસાથી જોડાયેલા છીએ અને મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ ભારત અને બાંગ્લાદેશના સંબંધો ભવિષ્યમાં નવી ઊંચાઈએ પહોંચશે. તેમણે આશા વ્યક્ત કરી કે બંને બંગાળના લોકોના કલ્યાણ અને સહિયારા વિકાસ માટે આપણે સાથે મળીને કામ કરતા રહીશું.
શપથ ગ્રહણ સમારોહની વિશેષતાઓ
શનિવારે સવારે 11:30 વાગ્યે યોજાયેલા આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ વડીલ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા, જે સમારોહનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. સુવેન્દુ અધિકારીની સાથે અન્ય 5 ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા, જેમાં દિલીપ ઘોષ, અગ્નિમિત્રા પોલ, અશોક કીર્તનીયા, ખુદીરામ ટુડુ અને નિશીથ પ્રામાણિકનો સમાવેશ થાય છે.
Congratulations and Best Wishes from Awami League President Sheikh Hasina to Shri Suvendu Adhikari on Being Elected Chief Minister of West Bengal, India
— Bangladesh Awami League (@albd1971) May 9, 2026
I extend my heartfelt congratulations and warmest wishes to Shri Suvendu Adhikari on behalf of myself personally and the… pic.twitter.com/FXT3jF2i5O
દ્વિપક્ષીય સંબંધો અને તીસ્તા નદીનો મુદ્દો
સુવેન્દુ અધિકારીના મુખ્યમંત્રી બનવા પર બાંગ્લાદેશના અન્ય રાજકીય પક્ષો તરફથી પણ સકારાત્મક પ્રતિક્રિયાઓ મળી છે. બાંગ્લાદેશી નેતા અઝીઝુલ બારી હેલાલે આશા વ્યક્ત કરી છે કે આ રાજકીય પરિવર્તનથી ઢાકા અને કોલકાતા વચ્ચે વધુ સારા સહયોગનો રસ્તો ખુલશે. તેમણે આ તકે લાંબા સમયથી અટકેલા તીસ્તા જળ વહેંચણી કરાર પર ફરીથી વિચાર કરવાની વિનંતી પણ કરી છે. હાલમાં શેખ હસીના સુરક્ષાના કારણોસર દિલ્હીમાં જ છે અને તેમણે આ પત્ર દ્વારા નવા મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળની સફળતા અને ઉત્તમ સ્વાસ્થ્યની કામના કરી છે.
