West Bengal News: પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી તરીકે સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહ દરમિયાન એક એવી ઘટના બની જેણે કરોડો ભારતીયોના દિલ જીતી લીધા છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર જ્યારે દેશ-દુનિયાના દિગ્ગજ નેતાઓ અને VIP લોકોની હાજરી હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ બાજુ પર મૂકીને એક વયોવૃદ્ધ સજ્જનના ચરણસ્પર્શ કર્યા અને તેમને આદરપૂર્વક ભેટી પડ્યા. સોશિયલ મીડિયા પર આ તસવીરો વાયરલ થતા જ લોકોના મનમાં એક જ પ્રશ્ન જાગ્યો કે, "ભીડભાડવાળા મંચ પર વડાપ્રધાને જેમના આશીર્વાદ લીધા, એ વ્યક્તિ કોણ છે?"
#WATCH | Kolkata | PM Modi felicitates and takes blessings of Makhanlal Sarkar, one of the most senior workers of the BJP in West Bengal.
— ANI (@ANI) May 9, 2026
In 1952, Makhanlal Sarkar was arrested in Kashmir while accompanying Syama Prasad Mukherjee during the movement to hoist the Indian… pic.twitter.com/gpmLISKYZ5
કોણ છે માખણ લાલ સરકાર?
વડાપ્રધાન મોદીએ જેમના પગ સ્પર્શ્યા તે વ્યક્તિનું નામ માખણ લાલ સરકાર છે. 98 વર્ષની જૈફ વય ધરાવતા માખણ લાલજી ભારતીય જનતા પાર્ટીના સૌથી જૂના અને પાયાના કાર્યકરોમાંના એક છે. તેઓ એ પેઢીના પ્રતિનિધિ છે જેમણે શૂન્યમાંથી સર્જન કરીને આજે બંગાળમાં ભાજપને સત્તાના શિખરે પહોંચાડવામાં પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું છે.
જનસંઘથી ભાજપ સુધીની સફર
માખણ લાલ સરકારનો ઇતિહાસ ભાજપની વિચારધારા અને સંઘર્ષ સાથે ગાઢ રીતે જોડાયેલો છે. 1980માં જ્યારે ભાજપની સ્થાપના થઈ, ત્યારે માખણ લાલજીને પશ્ચિમ બંગાળના પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જેવા કપરા વિસ્તારોમાં પક્ષનું માળખું ઊભું કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે માત્ર એક વર્ષમાં જ અંદાજે 10,000 નવા સભ્યોને પાર્ટીમાં જોડીને બંગાળમાં ભાજપના મૂળિયા મજબૂત કર્યા હતા. તેમજ 1981થી તેઓ સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ રહ્યા હતા. એ જમાનામાં ભાજપમાં કોઈ પણ નેતા બે વર્ષથી વધુ એક પદ પર રહેતા નહોતા, ત્યારે તેમની આ સાત વર્ષની સેવા તેમની લોકપ્રિયતા અને સંગઠન પરની પકડ દર્શાવે છે.
શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જેલવાસ ભોગવ્ય હતો
માખણ લાલ સરકાર એ ગણ્યાગાંઠ્યા નેતાઓમાંથી એક છે જેમણે ભારતીય જનસંઘના સ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે ખભેખભા મિલાવીને કામ કર્યું છે. 1952માં જ્યારે કાશ્મીરમાં 'એક દેશમાં બે નિશાન, બે વિધાન' વિરુદ્ધ આંદોલન ચાલતું હતું, ત્યારે માખણ લાલજી કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવવાના સત્યાગ્રહમાં જોડાયા હતા. આ આંદોલન દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમણે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સાથે જેલવાસ પણ ભોગવ્યો હતો.
PM મોદીએ કેમ ઝુકાવ્યું શીશ?
વડાપ્રધાન મોદી હંમેશા પક્ષના જૂના કાર્યકરો અને વિચારધારા માટે સમર્પિત લોકોનું સન્માન કરવા માટે જાણીતા છે. મંચ પર કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણની બાજુમાં ઉભેલા આ 98 વર્ષના 'પગપાળા સૈનિક' ને જોતા જ પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. તેમણે માખણ લાલજીના ચરણસ્પર્શ કરીને માત્ર એક વ્યક્તિને નહીં, પણ ભાજપના દાયકાઓના સંઘર્ષ અને લાખો કાર્યકરોની તપસ્યાને પ્રણામ કર્યા હતા.
આજે જ્યારે પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ભાજપની સરકાર બની છે, ત્યારે માખણ લાલ સરકાર જેવા નેતાઓ માટે તે તેમના જીવનનું સૌથી મોટું સપનું સાકાર થવા જેવું છે. વડાપ્રધાનના આ પગલાએ સંદેશ આપ્યો છે કે ભલે પક્ષ સત્તાના શિખરે પહોંચી જાય, પરંતુ જે પાયાના પથ્થરોએ આ ઈમારત ચણી છે, તેમનું સ્થાન હંમેશા સર્વોચ્ચ રહેશે. 98 વર્ષની ઉંમરે પણ માખણ લાલજીની આંખોમાં રહેલી ચમક એ વાતની સાક્ષી પૂરે છે કે વિચારધારા માટે લડાયેલી લડાઈ ક્યારેય એળે જતી નથી.
