Surat: સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કિમ નદી બે કાંઠે વહી રહી છે. એવામાં નદીના પાણી મોટા બોરસરા ગામના પાદરમાં ફરી વળ્યા છે. જેના પરિણામે ગામનો આસપાસના ગામો સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. બીજી તરફ માંગરોળના વેલાછા ગામે ફાર્મ હાઉસમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં કિમ નદી પણ બે કાંઠે વહી રહી છે અને કિમ નદીના પાણી માંગરોળના મોટા બોરસરા ગામના પાદર ફળિયામાં ફરી વળ્યા છે જેને લઈને ગામનો આસપાસના ગામ સાથેનો સીધો સંપર્ક તૂટી ગયો છે. સ્થાનિક વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ પણ વાંચો
બીજી તરફ કિમ નદીમાં પાણીની ભારે આવક થતા નદી બે કાંઠે વહી રહી છે, ત્યારે માંગરોળના વેલાછા ગામે ગ્રીન વિલા-2 ફાર્મ હાઉસમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે.
ફાર્મ હાઉસ સંચાલક અનંતભાઈ પટેલએ જણાવ્યું કે, અમે પરિવાર સાથે ફાર્મ હાઉસ મેનજમેન્ટનું કામ કરીએ છીએ. વર્ષ 2019માં પાણી આવ્યું હતું, ત્યારે અમે અહિયાં રહેતા નહતા. અમે અહી વર્ષ 2024માં રહેવા આવ્યા છીએ, ત્યારે સતત બે વખત પાણી ભરાઈ ગયું હતું.

એક વાર વરસાદ હતો ત્યારે અને એક વખત વરસાદ નહતો ત્યારે પણ કીમ ખાડીનું પાણી અહી ભરાઈ ગયું હતું. આ વર્ષે વર્ષ 2025માં ભરાયું છે. દર વખતે અમારો સમાન બગડી જાય છે, ફ્રીઝ અને અહી દુકાન હતી બધો સમાન બગડી જાય છે. આ વખતે તો અમને ખબર પડી કે પાણી આવવાનું છે એટલે અમે સમાન બધો ચડાવી દીધો હતો, નહતર અમને સમાન ચડાવવાનો પણ સમય મળતો નથી. એક કલાકમાં અહી એક એક માળ સુધી ડૂબી જાય એટલું પાણી ભરાઈ જાય છે. કોઈ પણ જાતની સહાય મળતી નથી.
અહી પોલીસ વાળાને બધા આવે ત્યારે સમાન મુકવાનું કહે છે પણ સહાય કોઈ મળતી નથી. અહી પાણીનો નિકાલ તો છે જ નહી દર વર્ષે પાણી તો ભરાઈ જ જાય છે. દર વર્ષે લાખથી દોઢ લાખની નુકશાની તો આવે જ છે.
ઓલપાડ મામલતદારે કીમ નદી કિનારે આવેલા ગામોની મુલાકાત લીધી
આજે ઓલપાડ મામલતદાર એચ. ડી. ચોપડા એ કીમ નદીના કિનારે આવેલા 7 જેટલા ગામોની મુલાકાત લીધી હતી. તેમજ તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સુચના અપાઈ હતી.
મામલતદાર એચ. ડી. ચોપડાએ જણાવ્યું કે, કીમ-કઠોદરા ગામે કીમ નદીની મુલાકાત લેતા અને મળેલા અહેવાલ અનુસાર કીમ નદીનું જળસ્તર હાલમાં 11 મીટરની સપાટીએ વહી રહ્યું છે અને 13 મીટરની સપાટી જો થાય તો એ ભયજનક લેવલ ગણાય છે. હાલમાં સ્થિતિ અન્ડર કંટ્રોલ છે, પરંતુ તેમ છતાં કીમ નદી કાંઠાના વિસ્તારમાં આવેલા કીમ, કઠોદરા, ઉમરાચી, વડોલી વગેરે ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તમામ ગામના તલાટીઓને સ્ટેન્ડ બાય રહેવા સુચના આપવામાં આવી છે.
તકેદારીના તમામ પગલાઓ લેવા માટે તાલુકા વહીવટી તંત્ર તરફથી તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે અને તાલુકાના તમામ વહીવટી તંત્ર તરફથી તમામ કચેરીઓનું સંકલન પણ કરી લેવામાં આવ્યું છે.