Surat News: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં 4 થી 10 સપ્ટેમ્બર 2025 દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પણ સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા લોકોને ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વેળા સાવચેતી રાખવા અપીલ કરાઇ છે.
બિન જરૂરી રીતે નદી કિનારે કે નદીની અંદર પ્રવેશ ના કરે
ડીવાયએસપી આર આર સરવૈયાએ જણાવ્યું હતું કે ગઇકાલથી જ સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદ થઇ રહ્યો છે જેના કારણે ઘણી વધી જગ્યાએ પાણી ભરાયેલા છે, ઘણા ગ્રામ્ય રસ્તાઓ છે જેની ઉપરથી નદીના પાણી વહી રહ્યા છે, અમુક અમુક જગ્યાએ ગ્રામ્યના રસ્તાઓ બંધ કરાવવામાં આવ્યા છે, આજે ઈદે મિલાદનો તહેવાર છે.
આવતી કાલે ગણેશ વિસર્જન છે, પોલીસ તરફથી ખુબ સારો બંદોબસ્ત બધી જગ્યાએ રાખવામાં આવ્યો છે. પરંતુ અમે નાગરિકોને અપીલ કરીએ છીએ અતિ ભારે વરસાદના કારણે અને હજુ પણ બે દિવસ ભારે વરસાદ પડવાનો છે એવી આગાહી છે તો નાગરિકોને વિનંતી કરીએ છીએ કે પોતે સલામત રીતે કામ ધંધા પર જાય અને બિન જરૂરી બહાર ના નીકળે અને બિન જરૂરી રીતે નદી કિનારે કે નદીની અંદર પ્રવેશ ના કરે.
ઇમરજન્સીમાં 112 નંબરનો ઉપયોગ કરવો
વધુમાં જણાવ્યું હતું કે રસ્તો બંધ કરાવવામાં આવ્યો હોય અને પોલીસનો બંદોબસ્ત હોય અને ના પાડવામાં આવે ત્યારે એ રસ્તા પરથી પસાર ના થવું જેથી કરીને કોઈ દુર્ઘટના ના ઘટે, ગણેશ વિસર્જન સમયે ખાસ કરીને કીમ નદીની અંદર ખુબ પાણી છે તો નદીની અંદર વિસર્જનકરવા લોકો ના જાય, વિસર્જન દરમ્યાન નાગરિકો પોતાની સલામતી જાળવે, નિયમોનું પાલન કરે, કારણ વગર પાણીની અંદર ના ઉતરે જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય. જયારે પણ કોઈ પણ ઈમરજન્સી જણાય તો પીસીઆર વાન માટે 112 નંબર પર પોલીસનો સંપર્ક કરવો અને પોલીસ તરફથી સંપૂર્ણ મદદ કરવામાં આવશે. વરસાદની અંદર કોઈ પણ દુર્ઘટના ના ઘટે તે માટે સમગ્ર વહીવટી તંત્ર તરફથી પૂરતા પ્રયત્ન અને બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે.
સુરત જિલ્લામાં પડેલા વરસાદના આંકડા
સુરત જિલ્લામાં આજે બપોરે 12 વાગ્યા પલસાણામાં 2 ઇંચ, બારડોલીમાં 1.7 ઇંચ, મહુવામાં 1.6 ઇંચ, સુરત શહેરમાં 1.3 ઇંચ, કામરેજમાં 1.1 ઇંચ, ઓલપાડમાં 1 ઇંચ, ઉમરપાડામાં 21 મિ.મી., ચોર્યાસીમાં 17 મિ.મી., માંગરોળમાં 13 મિ.મી., માંડવીમાં 13 મિ.મી., વરસાદ નોંધાયો છે. જ્યારે ગત 24 કલાકમાં ઉમરપાડામાં 8.1 ઇંચ, માંગરોળમાં 3.5 ઇંચ, ઓલપાડમાં 2.8 ઇંચ, માંડવીમાં 2.7 ઇંચ, પલસાણામાં 2.7 ઇંચ, બારડોલીમાં 2.6 ઇંચ, કામરેજમાં 2.2 ઇંચ, સુરત શહેરમાં 2.2 ઇંચ, ચોર્યાસીમાં 1.9 ઇંચ, મહુવામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર, 5 સપ્ટેમ્બરના રોજ સુરત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. 6 સપ્ટેમ્બરના રોજ સુરત જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. 7 સપ્ટેમ્બરના રોજ સુરત જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. 8 સપ્ટેમ્બરના રોજ સુરત જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદની શક્યતા છે. 9 અને 10-11 સપ્ટેમ્બરના રોજ સુરત જિલ્લામાં ગાજવીજ સાતે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.