Surat Organ Donation: ગણેશ વિસર્જનની પૂર્વ સંધ્યાએ ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા વધુ એક અંગદાન સુરત ની સ્મીમેર હોસ્પિટલથી કરાવવામાં આવ્યું છે. સોરઠીયા પ્રજાપતિ કુંભાર સમાજના બ્રેઈનડેડ શારદાબેન જેન્તીભાઈ દેવળિયા [ઉ.વ 58] ના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન દેવળિયા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.
સુરત શહેરના કોસાડ સ્થિત શ્રી કાર સ્કૂલ પાસે કિરેન પર્લમાં રહેતા શારદાબેન જેન્તીભાઈ દેવળિયા [ઉ.વ 58] તા. 3 સપ્ટેમ્બરના રોજ સવારે 08:00 કલાકે કોસાડ રેલ્વેટ્રેક પર અકસ્માતે ટ્રેનની અડફટે આવી જતા તેઓને માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગયા હતા. સુરત રેલ્વે પોલીસે સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. શારદાબેન ના નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું.
આ પણ વાંચો
તા. 4 સપ્ટેમ્બરના 2025ના રોજ મેડીકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જીતેન્દ્ર દર્શન, સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા, ન્યુરોસર્જન ડૉ. દીપેશ કક્કડ, RMO ડૉ. અરબિંદકુમાર સિંગ એ શારદાબેન ને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સર્જરી વિભાગના વડા ડૉ. અર્ચના નેમા એ ડોનેટ લાઈફના સ્થાપક નીલેશ માંડલેવાલા નો ટેલીફોનીક સંપર્ક કરી શારદાબેન ના બ્રેઈન ડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફ ની ટીમે હોસ્પિટલ પહોચી શારદાબેન ના પુત્ર વિપુલભાઈ, જમાઈ અશ્વિનભાઈ, કાકા રમેશભાઈ, કાકા હિતેશ ભાઈ, પ્રવીણભાઈ, જયંતીભાઈ, ભાણેજ મનીષભાઈ તેમજ અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.

શારદાબેન ના પુત્ર વિપુલભાઈ એ જણાવ્યું કે, અમે સામાન્ય પરિવારના છીએ, જીવનમાં કોઈ ચીજવસ્તુ નું દાન કરી શકીએ તેમ નથી. આજે મારી માતા બ્રેઈન ડેડ છે, ત્યારે તેમના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. શારદાબેન ના પરિવારમાં પુત્ર વિપુલભાઈ જેન્તીભાઈ ઉ.વ. 32 છે જે કડિયાકામ અને સેન્ટીંગનું મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે.
પરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા બંને કિડની અને લિવર અમદાવાદની IKDRC હોસ્પિટલને ફાળવવામાં આવી. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું દાન ડૉ. પ્રકાશ, ડૉ. પંકજ, ડૉ. હાર્દિક અને ડૉ. પ્રતિક સુરતવાલા એ સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRC માં ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન સ્મીમેર હોસ્પિટલના આંખ વિભાગે સ્વીકાર્યું હતું.
કિડની અને લિવર સમયસર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે સુરતની સ્મીમેર હોસ્પિટલ થી અમદાવાદની IKDRC હોસ્પિટલ સુધીના માર્ગનો ગ્રીન કોરીડોર સુરત શહેર અને રાજ્યના વિવિધ શહેર તથા ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હૃદય, ફેફસા, હાથ, નાનું આતરડું, લિવર અને કિડની જેવા મહત્વના અંગો દેશના જુદા- જુદા શહેરોમાં સમયસર પહોંચાડવા માટે સુરત શહેર પોલીસ દ્વારા અત્યાર સુધી 136 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.
ડોનેટ લાઈફ દ્વારા કુલ 1341 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવામાં આવ્યું છે. જેમાં 544 કિડની, 23૬ લિવર, 57 હૃદય, 52 ફેફસાં, 9 પેન્ક્રીઆસ, 8 હાથ, 1 નાનું આતરડું અને 434 ચક્ષુઓના દાનથી દેશ અને વિદેશના કુલ 1237 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.