Surat: શહેરના ઉધના વિસ્તારમાં ગણેશ પંડાલમાં ચોરીની ઘટના સામે આવી છે. બે નાના બાળકો દ્વારા ગણેશ પંડાલમાંથી દાનપેટીની ચોરી કરવામાં આવી હોવાનું હાલ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ છે.
સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં ચોરીની ઘટના બની હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે. CCTVમાં બે નાના બાળકો પંડાલમાંથી દાનપેટીની ચોરી કરતા નજરે ચઢ્યા હતા. બપોરના સમયે જ્યારે ગણપતિ પંડાલ બંધ હતો, ત્યારે બે અજાણ્યાં બાળકો સોસાયટીમાં પ્રવેશ્યાં હતાં.
આ પણ વાંચો
તેમણે સૌપ્રથમ ગણેશ પંડાલનો પડદો ઊંચો કરી અંદરનો માહોલ જોયો. તેઓ પંડાલમાં બધું નિરીક્ષણ કરી રહ્યાં હતાં. આ દરમિયાન એક ત્રીજું બાળક પણ માથે ભરેલો કોથળો લઇને ત્યાં આવે છે. આ બે બાળકો એ બાળકને પાછો મોકલી દે છે. બાદમાં ત્યાં હાજર બે બાળકોએ પંડાલમાંથી દાનપેટીની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, બે દિવસ અગાઉ મહિધરપુરા વિસ્તારમાં એક જ રાતમાં 8 જેટલા ગણેશ પંડાલમાં ચોરીની ઘટના બની હતી અને આ ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. એવામાં હવે ઉધના વિસ્તારમાં ગણેશ પંડાલમાં ચોરીની ઘટના સામે આવી છે, પરંતુ આશ્ચર્ય જનક એ વાત છે કે જે ઉમરમાં બાળકોના ખભા પર સ્કુલ બેગ હોવા જોઈએ એટલી ઉમરના બાળકોએ આ ચોરી કરી હતી. આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી. આ મામલે હાલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.