રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજાયેલા સંમેલનમાં વક્તાઓનો એક જ સુર- 'અનિરુદ્ધસિંહ જેલ અધિક્ષકની ભૂલનો ભોગ બન્યા'

સુપ્રીમ કોર્ટે પણ બે માસ બાદ સમિતિની નિર્ણય લેવાની છૂટ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો. સંમેલનમાં ‘વી સપોર્ટ અનિરૂદ્ધસિંહ જાડેજા’ના સુત્રોચ્ચાર થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 05 Sep 2025 04:41 PM (IST)Updated: Fri, 05 Sep 2025 04:41 PM (IST)
rajkot-news-sanmelan-for-support-of-ribda-aniruddhsinh-jadeja
HIGHLIGHTS
  • સંમેલનમાં ક્ષત્રિય આંદોલન સમિતિના સભ્યોની સૂચક હાજરી
  • આ માત્ર ટેક્નીકલ ભૂલ છે, હવે સરકારમાં અરજી કરાશે

Rajkot: ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠીયાની 37 વર્ષ પહેલા હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજામાંથી મુક્તિ આપવાનો હુકમ સુપ્રીમ કોર્ટે રદ કરી તા.19 સપ્ટેમ્બર સુધીમાં જેલમાં સરેન્ડર કરવાનો હુકમ કર્યો છે, ત્યારે આજે રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના સમર્થનમાં યોજવામાં આવેલા સંમેલનના કારણે ગોંડલના રાજકારણમાં ફરી એક વખત ગરમાવો આવ્યો છે.

આ સંમેલનના પગલે રીબડામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે શંકાસ્પદ વાહનોનું ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. આજે બપોરે બે વાગ્યા બાદ સંમેલન શરૂ થયું છે, પરંતુ પોલીસ બંદોબસ્ત સવારથી ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ સંમેલનમાં લોકસભાની ચૂંટણી વખતે આંદોલન ચલાવનાર ક્ષત્રિય અસ્મિતા આંદોલન સમિતિના હોદેદારોની હાજરી સૂચક જણાતી હતી. સંમેલનમાં ઉપસ્થિત લોકોએ ‘વી સપોર્ટ અનિરૂધ્ધસિંહ જાડેજા’ના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ સંમેલનના આયોજક અતુલ દવેએ જણાવ્યું હતું કે, ઘણા લોકો પોતાને દોઢડાહ્યા સમજે છે, તે ખોટા કાગળો મુકી લોકોને ગેરમાર્ગે દોરે છે. અહીં કોઇ પણ વકતા સરકાર, પક્ષ કે કોઇ વ્યક્તિના વિરૂધ્ધમાં બોલશે નહીં, અમે કોઇના વિરોધમાં નથી. વૈમનસ્ય ફેલાય તેવું કાંઇ કરવાનું નથી. ટેકનિકલ વિષયો ઉપર જ ચર્ચા કરવાની છે.

naidunia_image

આ કેસમાં ટેકનિકલ ભૂલ થઇ છે. 2014માં જે એડવાઇઝરી બોર્ડ મળવું જોઇએ તે તા.3/1/2014ના રોજ મળી ગયું છે. આ બોર્ડના આઠમાંથી સાત સભ્યોએ અનિરૂધ્ધસિંહ જાડેજાની સજા માફી માટે ભલમાણ કરેલી છે અને પોઝિટિવ અભિપ્રાય આપેલો છે. એટલે કે 2014માં છૂટવાના હતા, પરંતુ અનિરૂધ્ધસિંહને ચાર વર્ષ મોડા 2018માં છોડવામાં આવ્યા છે.

હવે આપણે જે રજુઆત કરવાની છે, તેમાં કયાંય ચૂક રહી ન જાય તે જોવાનું છે. અભિપ્રાય આપનારમાં પોલીસ સ્ટેશન, એસ.પી., સેસન્સ જજ અને મહેન્દ્રભાઇ મશરૂએ પણ સારો અભિપ્રાપ આપ્યો હતો.

ભારતના રાષ્ટ્રપતિને અને બંધારણની કલમ 161 મુજબ રાજ્યપાલને સજા માફ અથવા ઓછી કરવાનો અધિકાર છે. આ અધિકારની રૂએ તા.25/01/2017ના રોજ રાજ્યપાલે પરિપત્ર જેલ આઈ.જી.ને મોકલ્યો અને આ પરિપત્રના અન્વયે 242 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા હતા.

naidunia_image

અહીં જે ભૂલ છે તે જુનાગઢ જેલના અધિક્ષકની છે. તેમાં અધિક્ષકે સજામુક્તિ માટે અનિરૂધ્ધસિંહ જાડેજાનું નામ મુકયુ ન હતું. આથી જેલના આઇ.જી.એ સુધારો કર્યો હતો. આઇ.જી.એ માત્ર ભૂલ સુધારી છે, છતાં તેને નિશાન બનાવાય છે.

આ કેસમાં 2019માં પીટીશન થઇ ત્યારે જેલ આઇ.જી મલેકે પણ સહમતી આપી છે. 2025માં પણ જેલ આઇજી ચૌહાણે પણ સહમતી આપી છે.
અનિરૂધ્ધસિંહ જાડેજા જેવી અન્ય સાત અરજીઓ થઇ હતી. તેમાંથી છ કેદીને છોડવામાં આવ્યા હતા, પરંતુ અનિરૂધ્ધસિંહ મોટા માણસ હોવાથી વિવાદ ઉભો કરાયો છે.

naidunia_image

તેમણે કહ્યું કે આઇજીએ કરેલી કાર્યવાહીમાં સરકારે પણ કોઇ વિધો કર્યો નથી. તેથી ખુબ ટુંક સમયમાં બાપુ છુટી જશે. સૌ પ્રથમ ટેકિનકલ અરજી તૈયાર કરી સરકારમાં રજુઆત કરાશે અને જરૂર પડે તો કલેકટર સમક્ષ પણ રજુઆત કરવા જશુ. હાઇકોર્ટે પણ કહ્યું છે કે, બે માસમાં સમિતિ નિર્ણય લઇ શકશે. આપણે સાચા છીએ એટલે સરકાર આપણી સાથે છે.