રાજકોટમાં 50 ટકા કમિશનની લાલચમાં બોગસ પેઢી બનાવી રૂ. 1.73 કરોડનું સાયબર ફ્રોડ, 2 મિત્રોની ધરપકડ

રાજકોટમાં 50% કમિશનની લાલચમાં બોગસ પેઢી બનાવી બેંક ખાતું ભાડે આપવાના સાયબર ફ્રોડનો પર્દાફાશ થયો છે. આ કેસમાં રૂ. 1.73 કરોડના શંકાસ્પદ વ્યવહારો સામે આવતા રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે બે મિત્રોની ધરપકડ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 11:35 PM (IST)Updated: Fri, 11 Sep 2026 11:35 PM (IST)
rajkot-news-cyber-cell-arrests-two-friends-in-rs-173-crore-commission-scam
surat cyber fraud

Rajkot Cyber Fraud: રાજકોટમાં રહેતા બે મિત્રોને 50 ટકા કમિશનની લાલચમાં બોગસ પેઢી બનાવીને બેન્ક ખાતું ભાડે આપવું ભારે પડી ગયું છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે બોગસ પેઢીના આધારે બેન્ક એકાઉન્ટ ખોલાવીને તે ભાડે આપી દેનાર રાજકોટના બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. પોલીસ તપાસમાં આ મ્યુલ એકાઉન્ટ મારફતે કુલ રૂપિયા 1.73 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું બહાર આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ICICI બેંકમાં આવેલી 'મેસર્સ હનુમંત ઓર્ગેનિક ટ્રેડિંગ પ્રા.લી.' નામની પેઢીના ખાતામાં સાયબર ફ્રોડના રૂ. 1.73 કરોડ શંકાસ્પદ રીતે જમા થયા હતા. આ મામલે સાયબર ક્રાઇમ હેડ કોન્સ્ટેબલ હર્ષરાજસિંહ જાડેજા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બેંક ખાતાના બે ધારકો દીપક જેરામ ગઢીયા અને નિતિન રાજેશ ચક્રવર્તીની કડક પૂછપરછ કરવામાં આવતા આ સમગ્ર મસમોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.

પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે, દોઢ મહિના પહેલાં તેમના મિત્ર કિશન રામાણીએ શૈલેષ અમરશી લુણાગરીયા સાથે તેમની મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન શૈલેષે તેમને આર્થિક કમિશનની લાલચ આપીને એક બોગસ પેઢી ઊભી કરી તેનું બેંક ખાતું ખોલાવવાનું જણાવ્યું હતું. શૈલેષે શરત મૂકી હતી કે ખાતામાં જમા થનાર રકમ પર મળનારા કમિશનના 50 ટકા હિસ્સો તે પોતે રાખશે અને બાકીના ૫૦% આ બંને મિત્રોને આપશે.

આર્થિક જરૂરિયાતો હોવાને કારણે દીપક અને નિતિને ભક્તિનગર સ્ટેશન પ્લોટનું સરનામું દર્શાવીને 'મેસર્સ હનુમંત ઓર્ગેનિક ટ્રેડિંગ પ્રા.લી.' નામની બોગસ પેઢી ઊભી કરી દીધી હતી. બેંકમાં એકાઉન્ટ ખૂલી ગયા બાદ પાસબૂક, એટીએમ કાર્ડ, નેટ બેંકિંગની વિગતો અને પાસવર્ડ શૈલેષને સોંપી દેવામાં આવ્યા હતા.

આટલું જ નહીં, ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં શૈલેષે તેમને અમદાવાદની એક હોટલમાં અન્ય શંકાસ્પદ પાર્ટી સાથે પણ મુલાકાત કરાવી હતી. હાલ આ સમગ્ર કૌભાંડમાં બોગસ પેઢી ખોલવાની મુખ્ય સલાહ આપનાર અને આ એકાઉન્ટ ઓપરેટ કરનાર શૈલેષ તથા અન્ય મુખ્ય શખ્સોની શોધખોળ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સઘનપણે હાથ ધરવામાં આવી છે.