Jalaram Bapa Jayanti 2026: સૌરાષ્ટ્રની ધરતી પર ઘણા સંત પુરુષો થઈ ગયા. જેઓએ લોકોને સદમાર્ગે વાળ્યા અને ધાર્મિક-સેવાકીય પ્રવૃતિઓથી માનવ માત્રનું ભલું કર્યું આવા જ એક સંત પુરુષ વીરપુરમાં થઈ ગયા હતા. રાજકોટમાં આવેલા વીરપુરમાં સંત શ્રી જલારામ બાપાની 16 નવેમ્બરના રોજ 227 જન્મજયંતિ છે. જેથી વીરપુર ધામમાં ધામધૂમથી જલારામ બાપાની જન્મજયંતિ ઉજવવાની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
15 ગામોના 300થી વધારે સ્વયંસેવકો ખડેપગે
આ પાવન અવસરે વીરપુરના રસ્તાઓ, બજારોને રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠ્યા છે. 16 નવેમ્બરે મોટી સંખ્યામાં બાપાના ભકતો ઉમટી પડશે. જેને લઈને વીરપુર સહિત આસપાસના 15 ગામોના 300થી વધારે સ્વયં સેવકો સેવા આપશે. તેમજ બાપાની જન્મજયંતિ નિમિતે વેપારીઓ અને વિવિધ મિત્ર મંડળોએ પણ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી છે. વીરપુર ધામમાં વર્ષોથી સદાવ્રતની પરંપરા અવિરત ચાલી રહી છે. છેલ્લા 26 વર્ષથી દાનનો એક પણ રુપિયો લીધો નથી.
શોભાયાત્રામાં બાપાના ભકતોને વેચાશે પ્રસાદ
જલારામ બાપાની જન્મજયંતિને પગલે ભારે વીરપુરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. બાપાના દર્શનાર્થે આવતા ભકતજનોને કોઈ અગવડતા ન પડે તે માટે મંદિર, પ્રસાદ કેન્દ્ર અને ધર્મશાળાની વિશેષ વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવશે, તેની સાથે જલારામ બાપાના જીવનને દર્શાવતી ઝાંખીઓની વિશેષ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે, ઉપરાંત શોભાયાત્રા દરમિયાન બાપાના ભક્તોને 226 કિલો બુંદીનો પ્રસાદ વેંચવામાં આવશે.
