સુરતમાં આર્થિક સંકડામણમાં દંપતીના આપઘાતથી અરેરાટીઃ પત્નીના જન્મદિને જ પતિએ ઝેરી દવા પીધી, ત્રીજા દિવસે વિયોગમાં પત્નીનું પણ વિષપાન

સુરતના કાપોદ્રામાં આર્થિક સંકડામણથી દંપતીએ આપઘાત કર્યો. પત્નીના જન્મદિવસે પતિએ ઝેર પીધું, અને ત્રણ દિવસ પછી વિયોગમાં પત્નીએ પણ જીવ ટૂંકાવ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 11 Sep 2026 10:04 PM (IST)Updated: Fri, 11 Sep 2026 10:04 PM (IST)
surat-tragedy-husband-commits-suicide-on-wifes-birthday-due-to-financial-crisis-wife-ends-life-3-days-later

Surat: શહેરના કાપોદ્રા વિસ્તારમાં આર્થિક સંકડામણમાં દંપતીના આપઘાતની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં પત્નીના જન્મદિને જ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો હતો. પતિના મોતના ત્રીજા દિવસે પિયરમાં રહેલી પત્નીએ પણ વિષપાન કરીને મોત વ્હાલુ કરતા બન્નેના પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના નાનાસુરકા ગામનો વતની મેહુલ વઘાશિયા સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતો હતો. છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકડામણનો સામનો કરી રહેલા મેહુલે ગત 8 સપ્ટેમ્બરના રોજ પોતાની પત્ની તેજસ્વીના જન્મદિને જ ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તેનું મોત નીપજ્યું હતુ. જે બાદ મેહુલના અંતિમ સંસ્કાર તેના વતન સ્થિત ઘરે રાખવામાં આવ્યા હતા.

બીજી તરફ પતિના મોત બાદ પત્ની તેજસ્વી પુણા આઈમાતા ચોક સ્થિત પોતાના પિયર રહેવા આવી ગઈ હતી. જ્યાં પતિના વિયોગમાં તેણે પણ ઝેરી દવા પી લીધી હતી. આ બાબતની જાણ થતાં પરિવારજનો તાત્કાલિક તેજસ્વીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ટૂંકી સારવારના અંતે તેનું મોત નીપજ્યું હતુ. આ મામલે પુણા પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં મેહુલ અને તેજસ્વીના આજથી દોઢ વર્ષ પૂર્વ લગ્ન થયા હતા. તેજસ્વી ઘરેથી બ્યુટીપાર્લરનું કામ કરતી હતી. પતિના મોત બાદ આઘાતમાં સરી પડેલી તેજસ્વીએ ત્રીજા દિવસે આત્યંતિક પગલું ભરી લેતા બન્નેના પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

પતિએ ઘરનો સામાન બહાર ભેગો કરી આગ ચાંપી દેતા પત્નીની પોલીસ ફરિયાદ

સુરતના કાપોદ્રા લક્ષ્મણનગર પાસે દક્ષાબેન ઘનશ્યામભાઈ પરમાર તેમના બે પુત્રો સાથે રહે છે. તેમણે કાપોદ્રા પોલીસ મથકમાં પતિ ઘનશ્યામભાઈ પરમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ મુજબ, પતિ ઘનશ્યામભાઈ છેલ્લા એકાદ માસથી અલગ અલગ જગ્યાએ રહેતા હતા અને ગત 9 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ઘરના સભ્યો ઘરે હાજર હતા ત્યારે પતિ ઘનશ્યામ ભાઈ ઘરે આવ્યા હતા અને તેમની પત્નીને ગાળો આપી ઝઘડો કર્યો હતો

બીજા દિવસે સવારે પણ પત્ની અને દીકરાને ગાળો આપી ઝઘડો કર્યો હતો જે બાદ બપોરે પતિએ ઘરમાં રહેલો સામાન લાકડાની બે સેટી, ગાદલા ગોદડા, પાંચ પ્લાસ્ટિકની ખુરશી, સોફા ,અનાજ, મંદિર, પત્ની અને પુત્રના કપડા વગેરે સમાન ઘરની બહાર ભેગો કરીને તેમાં આગ લગાડી બાળી નાખ્યો હતો તેમજ ઘરમાં રહેલો ચૂલો તેમજ ફર્નિચરને નુકશાન કર્યું હતું

આગ મામલે પુત્રએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આવીને આગ પર કાબુ મેળવ્યો હતો. આમ ઘરવખરી સહિત કુલ 1.50 લાખનું નુકશાન થયું હતું. આ સમગ્ર મામલે દક્ષાબેને પતિ ઘનશ્યામ ભાઈ વિરૂદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં પોલીસેગુનો નોંધી તપાસ હાથ ધરી છે