Surat: શહેરના ડુમસ દરિયા કિનારે ન્હાવા પડેલા બે કિશોરો પૈકી એક કિશોર દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે તેની સાથે આવેલો મિત્ર પાણીમાંથી બહાર નીકળીને ડરના માર્યા ત્યાંથી નાસી છૂટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સુરતના ડુમસ દરિયા કિનારે સી ફેઝ પાસે બે કિશોરો દરિયાના પાણીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમ્યાન આજે ભરતી હોવાથી બે પૈકી એક કિશોરને મોજું દરિયામાં ખેંચી જતા તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે તેની સાથે આવેલો અન્ય મિત્ર પાણીમાંથી બહાર નીકળ્યા બાદ ડરના માર્યા ત્યાંથી નાસી છૂટ્યો હતો.
સ્થાનિકો દ્વારા એક છોકરો પાણીમાં ડૂબ્યો હોવાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આથી પોલીસ તેમજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. ફાયર વિભાગની ટીમે દરિયાના પાણીમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આજે ભરતી હોય ડૂબેલા છોકરાની કોઈ ભાળ મળી ન હતી
ફાયર વિભાગ દ્વારા સ્થાનિક માછીમારોને પણ કિશોર મામલે જાણ કરવામાં આવી છે. બીજી તરફ દરિયામાં ગરકાવ થયેલા કિશોરની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નથી. તેની સાથે આવેલો મિત્ર પણ ગાયબ હોવાથી આ કિશોર ક્યા વિસ્તારનો છે અને તેનો પરિવાર ક્યાં રહે છે તે અંગે કોઈ વિગતો સામે આવી નથી. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
