સુરતમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ શરૂ, લસકાણાના મંદિરમાં 3 દિવસ ભોજન પ્રસાદનું આયોજન

જલારામધામ મંદિર ખાતે જન્મજયંતિના દિવસે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થશે. સવારે 6 વાગ્યે મંગળા આરતી, ત્યારબાદ સવારે 10:30 કલાકે પૂજા વિધિ અને 11 વાગ્યે અન્નકૂટ આરતી યોજાશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 15 Nov 2026 02:43 PM (IST)Updated: Sun, 15 Nov 2026 02:43 PM (IST)
jalaram-jayanti-2026-special-celebrations-at-laskana-temple-in-surat

Surat News: સંત શિરોમણી શ્રી જલારામ બાપાની 227મી જન્મજયંતિની ઉજવણીને લઈને સુરત શહેરમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારતક સુદ સાતમ એટલે કે 16 નવેમ્બર, 2026ના સોમવારના રોજ જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે શહેરભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. લસકાણા સ્થિત શ્રી જલારામધામ મંદિર ખાતે પણ ઉજવણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં મહાઆરતી, અન્નકૂટ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત સતત ત્રણ દિવસ સુધી બંને સમય ભોજન પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

જલારામધામ મંદિર ખાતે જન્મજયંતિના દિવસે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત થશે. સવારે 6 વાગ્યે મંગળા આરતી, ત્યારબાદ સવારે 10:30 કલાકે પૂજા વિધિ અને 11 વાગ્યે અન્નકૂટ આરતી યોજાશે. જ્યારે સાંજે 7 વાગ્યે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સુરતના અલગ-અલગ વિસ્તારોમાંથી જલારામ બાપાની શોભાયાત્રાઓ પણ નીકળશે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા છે.

જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે લસકાણા સ્થિત જલારામધામ મંદિર ખાતે 16, 17 અને 18 નવેમ્બર એમ સતત ત્રણ દિવસ સુધી સવારે અને સાંજે બંને સમયે ભોજન પ્રસાદનું અયોજન કરવામાં આવ્યું છે, ભક્તોને કોઈ અગવડતા ન પડે અને દરેક શ્રદ્ધાળુ શાંતિપૂર્વક પ્રસાદ ગ્રહણ કરી શકે તે હેતુથી આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે લસકાણા સ્થિત શ્રી જલારામધામ શ્રી અન્નપૂર્ણા અન્નક્ષેત્ર મંદિરના ટ્રસ્ટી ધનવાનભાઈ કોટકે જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષના અનુભવ અને ભોજન પ્રસાદ લેવા આવતા ભક્તોની સંખ્યાના સર્વે પરથી જાણવા મળ્યું છે કે જલારામ જયંતી દરમિયાન મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભોજન પ્રસાદ માટે થતી ભારે ભીડને ધ્યાનમાં રાખીને બાપાની કૃપા અને પ્રેરણાથી આ વખતે સતત ત્રણ દિવસ સુધી બંને સમય પ્રસાદની વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે 16, 17 અને 18 નવેમ્બરના રોજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી જલારામ બાપાના તમામ ભક્તો, વડીલો અને શ્રદ્ધાળુઓ કોઈ ઉતાવળ કે અવ્યવસ્થા વિના શાંતિપૂર્ણ રીતે બાપાનો પ્રસાદ ગ્રહણ કરી શકે. જન્મજયંતિના પાવન અવસરે લસકાણા સ્થિત જલારામધામ મંદિર ટ્રસ્ટ દ્વારા જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.