Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં ચોમાસામાં સિઝનનો અત્યાર સુધીનો 92 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશરમાં ફેરવાઈને ગુજરાતની નજીક પહોંચી ચૂક્યું છે. જેના પરિણામે ભાદરવો ભરપુર હોય, તેમ ગઈકાલ રાતથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.
જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, આજથી જ ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચુક્યો છે. બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ આગામી 24 થી 36 કલાકમાં ગુજરાત ઉપર આવી જશે. આ સિસ્ટમ જેમ-જેમ આગળ વધતી જશે, તેમ-તેમ વરસાદની તીવ્રતા વધતી જશે.
બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ હાલ મધ્ય પ્રદેશ ઉપર સ્થિત થઈ ગઈ છે. જે મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા છોટા ઉદેપુર, દાહોદ જેવા જિલ્લા અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ ઉપર થઈને પશ્ચિમ દિશામાં આગળ વધશે. જો કે આ સિસ્ટમનો સિયર ઝોન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર રહી શકે તેવું અનુમાન છે.
આ સિસ્ટમના ટ્રેકને જોતા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાનો છે. ખાસ કરીને 7 અને 8 સપ્ટેમ્બરના રોજ ભાવનગર, અમરેલી
ગીર સોમનાથ, જૂનાગઢ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જેવા નવેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
વરસાદનો આ છેલ્લો રાઉન્ડ નથી
આ સિવાય કચ્છ તેમજ સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓને પણ આ રાઉન્ડમાં સારા વરસાદનો લાભ મળશે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં બે દિવસ દરમિયાન 5 થી 10 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.
જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ અને મધ્ય ગુજરાતમાં મધ્ય વરસાદ પડી શકે છે. જો કે વડોદરા એક એવો જિલ્લો છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ વરસાદી સિસ્ટમ ગુજરાતની ખૂબ જ નજીક આવી ગઈ છે. જેના પરિણામે આગામી 9 સપ્ટેમ્બર સુધી ગુજરાતના 80 ટકાથી વધુ વિસ્તારને વરસાદનો લાભ મળી શકે છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આ 2025ના ચોમાસાનો છેલ્લો રાઉન્ડ નથી. આગામી દિવસોમાં વરસાદનો વધુ એકાદ રાઉન્ડ પણ આવી શકે છે.