Paresh Goswami Ni Agahi: ગુજરાતમાં ગત 16 જૂનના રોજ નૈઋત્યનું ચોમાસું બેઠું, તે બાદ અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 91.15 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ઓગસ્ટ મહિનાના છેલ્લા સપ્તાહમાં ગુજરાતના કેટલાક ભાગોને ઘમરોળ્યા બાદ છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ એકંદરે વિરામ લીધો છે. માત્ર દક્ષિણ ગુજરાતના માંડ 12 તાલુકામાં આજે હળવા ઝાપટા પડ્યા છે, ત્યારે આગામી 4 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરીથી તોફાની વરસાદનો રાઉન્ડ શરૂ થઈ શકે છે.
આ અંગે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વધુ એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં તૈયાર થઈ ગઈ છે. આ સિસ્ટમ હજુ દરિયાની અંદર છે, પરંતુ તેના આઉટર ક્લાઉડ જમીન પર સક્રિય થવાથી તે લો પ્રેશર બની ગઈ છે. મોડી રાતે આ સિસ્ટમ જેમ-જેમ આગળ વધશે, તેમ-તેમ વધારે મજબૂત બનશે અને વેલમાર્ક લો પ્રેશર બની જશે. જ્યારે ગુજરાત પર આવીને આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ જવાની પણ શક્યતા છે.
આ સિસ્ટમનો ટ્રેક જોઈએ તો, તે મહારાષ્ટ્ર સુધી આવ્યા બાદ સહેજ ઉત્તર તરફ જશે. જેના પરિણામે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અલગ-અલગ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

ક્યા-ક્યા ભારે વરસાદ પડશે
આમ તો આ સિસ્ટમના કારણે ગુજરાતના 70 થી 80 ટકા વિસ્તારને વરસાદનો લાભ મળશે. જો કે દક્ષિણ ગુજરાત, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા મધ્ય ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં સારો વરસાદ જોવા મળશે.
ઉત્તર ગુજરાતના પાટણ અને વાવ-થરાદમાં 10 ઈંચથી વધુ વરસાદ પડી શકે છે. આ સિવાય મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા ઉપરાંત કચ્છના રાપર તેમજ સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર જેવા જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.