Surat: સુરતના 'ટ્રી ગણેશા' અને પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી, એશિયા બુક ઑફ રેકોર્ડમાં મળ્યું સ્થાન

ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 02 Sep 2025 10:15 PM (IST)Updated: Tue 02 Sep 2025 10:15 PM (IST)
surat-news-tree-ganesha-and-viral-desai-name-in-asia-book-of-records-596331
HIGHLIGHTS
  • વિરલ દેસાઈ દ્વારા 8 વર્ષથી ટ્રી ગણેશો મહોત્સવનું આયોજન
  • ‘ટ્રી ગણેશા’માં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે

Surat: પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ‘ટ્રી ગણેશા’એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઈતિહાસ રચ્યો છે. પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ દ્વારા છેલ્લા 8 વર્ષથી ઉજવાતો ‘ટ્રી ગણેશા’ મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. આ ઈવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક-સાંસ્કૃતિક ઈવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે, જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે.

‘ટ્રી ગણેશા’માં ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્યલાયમેટચેન્જ’ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ‘પર્યાવરણ સેનાની’ તરીકે તૈયાર કર્યા છે.

આ મહોત્સવમાં સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે, જેના સમર્થનથી આ અભિયાને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે.

વિરલ દેસાઈએ જણાવ્યું, ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક એવી ચળવળ છે જે યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરીને આપણા ગ્રહનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે. એશિયા બુક ઓફ રેકોર્ડની આ ઓળખ આપણી મુહિમની સફળતાનો પુરાવો છે.

ઉલ્લેખનીય છે કે ‘ટ્રી ગણેશા’માં દર વર્ષે પર્યાવરણ કેન્દ્રી વિવિધ થીમ પર સ્ટડી ટૂર્સ યોજવામાં આવે છે, જે અંતર્ગત બાયોડાવર્સિટી, ઈકો સિસ્ટમ રિસ્ટોરેશન તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે.

આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે. વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ, ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે, જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત.