Kanku Chaudhary Love Marriage Case: બનાસકાંઠા જિલ્લાના ઉણ ગામે કંકુ ચૌધરી અને મહાદેવ રબારીના પ્રેમલગ્ન બાદ ફાટી નીકળેલી હિંસાએ સમગ્ર રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. ભાભરના રૂની ગામની ચૌધરી સમાજની દીકરીએ રબારી સમાજના યુવક સાથે આંતરજ્ઞાતીય લગ્ન કર્યા બાદ બંને સમાજ આમને-સામને આવી ગયા છે. આ વિવાદ વચ્ચે જ્યારે મીડિયાની ટીમ ઉણ ગામે પહોંચી ત્યારે યુવકની માતા અમરબેન રબારીની વ્યથા સામે આવી હતી.
આ પણ વાંચો
વૃદ્ધ માતાનો ચોંકાવનારો ખુલાસો
મહાદેવ રબારીની માતા અમરબેને અત્યંત લાચારી સાથે જણાવ્યું હતું કે, તેમનો દીકરો છેલ્લા ચાર-પાંચ વર્ષથી તેમની સાથે રહેતો નથી. તેમણે કહ્યું, "સાહેબ, મારો દીકરો ક્યાં છે અને શું કરે છે તેની મને કોઈ જ ખબર નથી. હું તો મારા પિયર ધોળડામાં હતી અને હમણાં જ અહીં આવી છું. પાંચ વર્ષથી મેં મારા દીકરાનું મોઢું પણ જોયું નથી."
વધુમાં અમરબેને જણાવ્યું કે મહાદેવે ક્યાં અને કોની સાથે લગ્ન કર્યા છે તેની તેમને જરાય જાણ નથી. દીકરાએ લગ્ન બાદ ક્યારેય તેમનો સંપર્ક કર્યો નથી કે ફોન પણ કર્યો નથી. હાલમાં અમરબેન ગામમાં એકલા રહે છે અને ગામલોકો જ તેમને જમવાનું આપે છે. દીકરાના કૃત્યને કારણે આજે આ વૃદ્ધા એકલવાયું અને લાચારીભર્યું જીવન જીવવા મજબૂર બની છે.
ઉણ ગામમાં પથ્થરમારો અને તોડફોડ
ઉણ ગામે જે હિંસક ઘટના બની તેના વિશે વાત કરતા અમરબેને કહ્યું કે, પથ્થરમારો થયો ત્યારે તેઓ ઘરમાં જ હતા અને તે સમયે પૂજા કરી રહ્યા હતા. તેઓ શારીરિક રીતે અશક્ત હોવાથી ચાલી પણ શકતા નથી, તેમ છતાં ટોળાએ ગામમાં આતંક મચાવ્યો હતો.
ચૌધરી સમાજે અગાઉ ભાભરના રૂની ગામે એક મોટું સંમેલન યોજ્યું હતું. આ સંમેલન બાદ ઉશ્કેરાયેલા યુવાનોનું મોટું ટોળું ઉણ ગામમાં ધસી આવ્યું હતું અને દુકાનો તેમજ વાહનોમાં તોડફોડ કરી હતી. પરિસ્થિતિ એટલી વણસી હતી કે જિલ્લા પોલીસવડા સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે ઉતારવો પડ્યો હતો.
પોલીસ કાર્યવાહી
પોલીસ દ્વારા વારંવાર અપીલ કરવા છતાં ટોળું હાઈવે પરથી હટ્યું નહોતું અને ઉલટું પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે 7 થી વધુ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. ચૌધરી સમાજની માંગ છે કે તેમની દીકરીને ગમે તે ભોગે પરત લાવવામાં આવે, જ્યારે કંકુ ચૌધરીએ અગાઉ સોશિયલ મીડિયા પર આજીજી કરી હતી કે તેને તેના પતિ સાથે રહેવા દેવામાં આવે.
