Ambaji Bhadarvi Poonam 2025: બનાસકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે આજે ભાદરવી પૂનમના રોજ મહામેળો સુખરૂપ સંપન્ન થઈ ગયો છે. આજે ચંદ્રગ્રહણ હોવાના કારણે બપોરે 12 કલાકે માતાજીના દર્શન બંધ કરી દેવામાં આવ્યા હતા. આમ છતાં મહામેળાના અંતિમ દિવસે 4.24 લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો હતો.
ભાદરવી પૂનમના મહામેળાના સાત દિવસ દરમિયાન કુલ 40,41,306 શ્રદ્ધાળુઓએ માઁ અંબેના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી હતી. ભાદરવા સુદ નોમથી શરૂ થયેલા આ મેળા દરમિયાન ગુજરાતના ખૂણે-ખૂણેથી અખૂટ શ્રદ્ધા સાથે આવેલા માઈભક્તોથી માઁ અંબાનું ધામ ઉભરાઈ ગયું હતુ. અંબાજીનો ચાચર ચોક બોલ મારી અંબે જય..જય અંબેના ગગનભેદી નારાથી ગુંજી ઉઠ્યો હતો.
મહામેળાના અંતિમ દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 2630 યાત્રિકો નોંધાયા છે. આમ 7 દિવસ દરમિયાન કુલ 58,602 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો.
જ્યારે આજે સાતમા દિવસે 38,602 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. જેના માટે કુલ 933 ટ્રિપો થઈ હતી. મેળાના સાતમા દિવસે 571 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.

જો પ્રસાદની વાત કરીએ તો, આજે સાતમા દિવસે 1,97,951 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 5491 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 64 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો હતો. જ્યારે આજે અંતિમ દિવસે મંદિર ટ્રસ્ટને 12.250 ગ્રામ સોનાની આવક નોંધાઈ છે. આમ મેળા દરમિયાન મંદિર ટ્રસ્ટને 232.610 ગ્રામ સોનાની તેમજ 500 ગ્રામ ચાંદીની આવક થઈ છે.