Gujarat Rain Data | Banaskantha: ગુજરાત ઉપર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા કેટલાક દિવસથી તોફાની વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પણ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેના પગલે આજે વહેલી સવારથી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.
ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકામાં આજે વહેલી સવારથી મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. સૂઈગામ તાલુકા માથે આભ ફાટ્યુ હોય હોય તેમ આખા દિવસ દરમિયાન 303 મિ.મી (11.9 ઈંચ) જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો છે. જે પૈકી 38 મિ.મી (1.5 ઈંચ) વરસાદ તો છેલ્લા 2 કલાકમાં જ તૂટી પડ્યો છે.
સતત પડી રહેલા ભારે વરસાદના કારણે સૂઈગામ તાલુકામાં આવેલ નડા બેટનો રણ પ્રદેશ દરિયામાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તોફાની પવન સાથે પડી રહેલા વરસાદના કારણે નડાબેટના રણ પ્રદેશમાં દરિયા જેવા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા 2 કલાકમાં 62 તાલુકામાં વરસાદ
સાંજે 4 થી 6 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 62 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૂઈગામ સિવાય બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં 35 મિ.મી (1.3 ઈંચ), વાવમાં 30 મિ.મી (1.18 ઈંચ), પાટણના સાંતલપુરમાં 28 મિ.મી (1.10 ઈંચ), બનાસકાંઠાના થરાદમાં 27 મિ.મી (1.06 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આજે 82 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો
સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 221 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી બનાસકાંઠાના સૂઈગામ સિવાયના વાવ તાલુકામાં 127 મિ.મી (5 ઈંચ), ભાભરમાં 117 મિ.મી (4.6 ઈંચ), બનાસકાંઠાના થરાદમાં 100 મિ.મી (3.9 ઈંચ) તેમજ તાપીના વલોદમાં 112 મિ.મી (4.4 ઈંચ), વલસાડના કપરાડામાં 105 મિ.મી (4.13 ઈંચ), તાપીના વ્યારામાં 103 મિ.મી (4.06 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 82 તાલુકામાં 1 ઈંચથી વધુ, 33 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 17 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.