બનાસકાંઠામાં બારેમેઘ ખાંગાઃ સૂઈગામમાં 2 કલાકમાં 3 ઈંચ સાથે સવા 8 ઈંચ ધોધમાર વરસાદ, થરાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા

આજે 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ. જે પૈકી 71 તાલુકામાં 1 ઈંચથી વધુ, 22 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Sep 2025 03:43 PM (IST)Updated: Sun 07 Sep 2025 03:43 PM (IST)
banaskantha-news-211-taluka-across-the-gujarat-get-rain-till-2-pm-on-7th-september-2025-598979
HIGHLIGHTS
  • છેલ્લા 2 કલાકમાં 142 તાલુકામાં વરસાદ વરસ્યો
  • વલસાડ શહેરમાં આજે 3.6 ઈંચ ધોધમાર ખાબક્યો

Banaskantha | Gujarat Rain Data: બંગાળની ખાડીમાં સક્રિય વરસાદની સિસ્ટમ ગુજરાત માથે આવીને મજબૂત ડિપ્રેશનમાં ફેરવાઈ ચૂકી છે. જેના પગલે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે પણ હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે સવારથી મેઘરાજા બનાસકાંઠામાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે.

આજે સવારથી બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. જે પૈકી સૂઈગામ તાલુકામાં સૌથી વધુ 210 મિ.મી (8.27) ઈંચ ધોધમાર વરસાદ ખાબક્યો છે. આ સિવાય જિલ્લાના વાવ તાલુકામાં 87 મિ.મી (3.4 ઈંચ), થરાદમાં 64 મિ.મી (2.5 ઈંચ), દિયોદરમાં 64 મિ.મી (2.5 ઈંચ), ભાભરમાં 61 મિ.મી (2.4 ઈંચ), દાંતામાં 59 મિ.મી (2.3 ઈંચ) અને અમીરગઢ તાલુકામાં 30 મિ.મી વરસાદ નોંધાયો છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સવારે 6 વાગ્યાથી અવિરત પડી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારો, થરાદની મુખ્ય બજાર, બળિયા હનુમાન ચોક અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

બપોરે 12 થી 2 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન 142 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 80 મિ.મી (3.1 ઈંચ) વરસાદ બનાસકાંઠા જિલ્લાના સૂઈગામ તાલુકામાં જ ખાબક્યો છે. આ સિવાય અન્ય તાલુકામાં વલસાડના ધરમપુરમાં 48 મિ.મી (1.8 ઈંચ), કપરાડામાં 32 મિ.મી (1.2 ઈંચ),નવસારીના ચીખલીમાં 28 (1.10 ઈંચ), સુરત શહેરમાં 24 મિ.મી, બનાસકાંઠાના ભાભરમાં 21 મિ.મી, અરવલ્લીના ભીલોડામાં 20 મિ.મી, બાયડમાં 19 મિ.મી વરસાદ વરસ્યો છે.

ગુજરાતના 71 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ

સવારે 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 211 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાને બાદ કરીએ તો દક્ષિણ ગુજરાતના વલસાડ શહેરમાં 92 મિ.મી (3.6 ઈંચ), કપરાડામાં 89 મિ.મી (3.5 ઈંચ) તાપીના ડોલવણમાં 85 મિ.મી (3.3 ઈંચ),ગાંધીનગરના દહેગામમાં 82 મિ.મી (3.2 ઈંચ) તેમજ વલસાડના ઉમરગામમાં 80 મિ.મી (3.1 ઈંચ) વરસાદ પડ્યો છે. આમ આજે આખા દિવસ દરમિયાન 71 તાલુકામાં 1 ઈંચથી વધુ, 22 તાલુકામાં 2 ઈંચથી વધુ તેમજ 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.