Anar Patel in Banaskantha: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના ગઢ ખાતે સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ પ્રસંગે ખોડલધામના સંગઠન અધ્યક્ષ અનાર પટેલ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેણે પાટીદાર સમાજ અંગે એક મોટું અને સૂચક નિવેદન આપ્યું છે. અનાર પટેલે સમાજની કડવી વાસ્તવિકતા પર પ્રકાશ પાડતા પાટીદારોને મીઠું બોલતા શીખવાની અને સમાજમાં દૂષણો સામે જાગૃત થવાની ટકોર કરી હતી.
"પટેલોએ મીઠું બોલતા શીખવું પડશે"
અનાર પટેલે જણાવ્યું કે, "આપણે પટેલ છીએ એટલે બોલવામાં થોડા કડવા અને રફ હોઈએ છીએ, ઘણીવાર આપણે વિવેક ચૂકી જઈએ છીએ કે શું બોલાય અને શું ના બોલાય. આ બધી નાની નાની વસ્તુઓ છે જે નવા જમાનામાં શીખવી પડશે." તેમણે નવા જમાના સાથે તાલ મિલાવવા પ્રેમાળ થવા અને પ્રેમથી વાત કરવાની શીખ આપી હતી. આ સાથે જ સમાજને તોડવા વાળા તત્વોને ઓળખવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો.
"ઘરે ઘરે નેતા છે, બધાને મોટા થવું છે"
આજના સમયમાં નેતાગીરીના મોહ અંગે બોલતા અનાર પટેલે કટાક્ષ કર્યો કે, "અત્યારે ઘરે ઘરે નેતા છે અને બધાને મોટા થવું છે." તેમણે જણાવ્યું કે, "જો આજે સરદાર પટેલ હોત તો તેમના માટે પણ 562 રજવાડાં ભેગા કરવા અઘરા પડી ગયા હોત, કારણ કે સંગઠનની વાત આવે ત્યારે બધું ભૂલી જવું પડે છે."
આ પણ વાંચો: Khodaldham In Surat: સુરતમાં બનનાર ખોડલધામને લઈને પાટીદાર આગેવાનો સામ-સામે, કોણે શું કહ્યું?
આંતરજ્ઞાતીય લગ્ન પર કહી મોટી વાત
પટેલ સમાજમાં થતા આંતરજ્ઞાતીય લગ્નના મુદ્દે અનાર પટેલે રોકડા શબ્દોમાં કહ્યું કે, "આપણી દીકરીઓ બીજા સમાજમાં જાય છે કારણ કે આપણા સમાજના દીકરા સક્ષમ નથી. જ્યારે સમાજનો દીકરો દારૂ પીતો હોય, રખડતો હોય કે કામ ન કરતો હોય, ત્યારે જ દીકરી બીજા સમાજના છોકરા જોડે જાય છે."
અનાર પટેલે સવાલ ઉઠાવ્યો કે, દરેક વખતે દીકરીઓને જ સલાહ કેમ આપવામાં આવે છે? સમાજને બચાવવા અંગે વાત કરતા અનાર પટેલે આહ્વાન કર્યું કે, "સમાજમાં જો કોઈ દારૂ પીને આવતું હોય તો તેને બહાર કાઢો, નહીં તો સમાજ બગડશે."
