Anar Patel, President of Khodaldham: રાજકોટમાં ખોડલધામ સંગઠનના નવનિયુક્ત અધ્યક્ષ અનાર પટેલે પદભાર સંભાળ્યા બાદ સંબોધન કરતા જણાવ્યું હતું કે, સંગઠિત થઈશું તો જ નવો ઇતિહાસ રચી શકાશે. તેમણે ટીકાને બદલે ટેકો આપવાની હાકલ કરી હતી અને નરેશભાઈ પટેલના વિશ્વાસને ક્યારેય ડગમગવા નહીં દેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો, સાથે જ આ ભવ્ય ઇમારતનું નિર્માણ થયું છે, તે પાયાની એક ઈંટ બનવાનો તેમને અવસર મળ્યો છે. તે બદલ તેમણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
પાયાની એક ઈંટ બનવાનો તેમને અવસર મળ્યો
અનાર પટેલે જણાવ્યું હતું કે, તેમને જે આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને તેમનામાં જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે, તેને તેઓ ક્યારેય ડગમગવા દેશે નહીં. તેમને સંપૂર્ણ ભાન છે કે આ પદ સામાન્ય નથી. આ માટે ઘણી મહેનત અને સમર્પણની જરૂર છે. કારણ કે, જેમણે મજબૂત પાયા સ્થાપિત કર્યા છે જેના પર આ ભવ્ય ઇમારતનું નિર્માણ થયું છે, તે પાયાની એક ઈંટ બનવાનો તેમને અવસર મળ્યો છે. તે બદલ તેમણે સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
અહીંયા મનને નહીં, પરંતુ હૃદયને પ્રાધાન્ય આપવું જોઈએ
અનાર પટેલે વધુમાં કહ્યું કે, સંગઠન એ માત્ર એક માળખું નથી, પરંતુ એક વિચારધારા છે. ભાઈએ જે રીતે સમગ્ર ખોડલધામ ટ્રસ્ટનું નિર્માણ કર્યું, તે પાછળ ‘માની ભક્તિ અને એકતાની શક્તિ’નું સૂત્ર રહેલું છે. ભક્તિ થકી જ એકતાની શક્તિ પ્રગટે છે. જ્યાં ભક્તિ હોય, ત્યાં હૃદય સ્વચ્છ હોવું જોઈએ અને સ્વાર્થને કોઈ સ્થાન ન હોવું જોઈએ. અહીંયા મનને નહીં, પરંતુ હૃદયને પ્રાધાન્ય આપવું જોઈએ. આ હૃદયપૂર્વકનો ભાવ સૌથી છેવાડાના વ્યક્તિ અને પરિવાર સુધી પહોંચવો જોઈએ, જ્યાં ટ્રસ્ટની અને સૌની મદદની ખરેખર જરૂર છે. જો આપણે ત્યાં સુધી ન પહોંચી શકીએ, તો આ સંગઠનનો કોઈ અર્થ નથી.
બધું ભૂલીને ફક્ત અને ફક્ત સમાજ માટે એક થવું જોઈએ
તેમણે હૃદયપૂર્વક કહ્યું કે, આપણે તે વ્યક્તિને યાદ રાખીને આગળ વધવાનું છે જેમણે આ ટ્રસ્ટની સ્થાપના કરી છે. તેમજ તેમની સાથે ખભેખભા મિલાવીને આ કાર્યને આગળ વધારનારા સૌને પણ ભૂલી શકાય નહીં. કારણ કે, આટલા વર્ષોના ઇતિહાસ પછી કદાચ આજે તેમને આ હોદ્દો મળ્યો છે. આ ઇતિહાસમાં નરેશભાઈને કોણે અને કેટલા લોકોએ ક્યાં ટેકો આપ્યો હશે, તેની આપણને જાણ નથી. આ ટેકા માટે આપણા સૌના મનમાં કૃતજ્ઞતાનો ભાવ હોવો જોઈએ. ઘણીવાર, જ્યારે તેઓ નાના લોકોને મળે છે, ત્યારે તેઓમાં હતાશા જોવા મળે છે. પરંતુ આપણે આ બધું ભૂલીને ફક્ત અને ફક્ત સમાજ માટે એક થવું જોઈએ.
આપણે સંગઠિત થઈશું, તો જ નવો ઇતિહાસ રચી શકીશું
અનાર પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, જો આપણે સંગઠિત થઈશું, તો જ નવો ઇતિહાસ રચી શકીશું. આપણી પાસે શક્તિ, પૈસા અને અન્ય સંસાધનોની કોઈ કમી નથી. પટેલો પાસે શું નથી? પહેલા એવું કહેવાતુ હતું કે પટેલોને ભેગા કરવા મુશ્કેલ છે. પરંતુ રેશભાઈ, તમે આ શક્ય બનાવી બતાવ્યું છે, કારણ કે આજે આપણે સૌ સાથે છીએ. મતભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ ન હોવો જોઈએ.
ટીકા કરવાને બદલે ટેકો આપવો જોઈએ
મતભેદ, વાદ-વિવાદ, બધું જ સ્વીકાર્ય છે, પરંતુ એકસાથે બેસીને તેને ઉકેલીએ ત્યારે કોઈ મનભેદ ન રહેવો જોઈએ. આપણે આપણા મૂળભૂત તત્વને વળગી રહેવું જોઈએ, જે છે ભક્તિ. જો આપણે ભક્તિને પકડી રાખીશું, તો સંગઠન સહેલાઈથી બનશે. ‘હું’ નહીં, પરંતુ ‘સમાજ’ મોટો છે. સમાજ આપણા કરતાં મોટો છે. આપણે ત્યારે જ મોટા બનીશું જ્યારે આપણો સમાજ પ્રગતિ કરશે. આપણે ટીકા કરવાને બદલે ટેકો આપવો જોઈએ. ટીકાને કોઈ સ્થાન નથી. અને આ ટેકા સાથે, ભાઈ, અમે સૌ તમારી સાથે છીએ અને આપણે ખૂબ આગળ વધીશું.
આપણા સમાજમાં જ્યાં વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, અને યુવાનોને યોગ્ય દિશાની જરૂર છે, ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. દુર્ભાગ્યવશ, આજે ઘણા વૃદ્ધાશ્રમો બન્યા છે, પરંતુ આપણા સમાજના વડીલો તેમાં ન હોવા જોઈએ. આવા તમામ સારા કાર્યો કરવા માટે આપણે ભેગા થયા છીએ. અને આપણે સૌ સાથે મળીને તે પાર પાડીશું. આજે તેમને અને તેમની ટીમને જે અવસર મળ્યો છે, તે બદલ તેમણે ભાઈ અને ટ્રસ્ટ વતી સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
