Ambaji Bhadarvi Poonam Maha Mela 2024, અંબાજી ભાદરવી પૂનમ મેળો: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ચાલી રહેલ ભાદરવી પૂનમનો મહામેળો તેના અંતિમ ચરણમાં પહોંચી રહ્યો છે. જેમ-જેમ મેળાની પૂર્ણાહુતિનો દિવસ નજીક આવી રહ્યો છે, તેમ-તેમ માઈભક્તોનો સાગર માતાજીના દર્શન કરવા ઉમટી રહ્યો છે. આજે સતત સાતમાં દિવસે 5.62 લાખથી વધુ માઈભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયે તે 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીના 7 દિવસ દરમિયાન કુલ 32.54 લાખ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ચૂક્યા છે. જે પૈકી ગત રવિવારે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ સૌથી વધુ 6.48 લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા.
જો આજની વાત કરીએ તો, આજે 5,62,162 દર્શનાર્થીઓ નોંધાયા છે. જ્યારે ઉડન ખટોલામાં 10,278 યાત્રિકો નોંધાયા છે. જ્યારે સાતમા દિવસે 475 ગ્રામ સોનાની આવક થવા સાથે અત્યાર સુધીમાં સોનાની કુલ 504.670 ગ્રામ આવક નોંધાઈ છે.
જો પ્રસાદની વાત કરીએ તો, આજે સાતમા દિવસે મોહનથાળના પ્રસાદના કુલ 2,97,880 પેકેટ તેમજ 9689 પેકેટ ચિક્કીના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે આજે 353 ધજા રોહણ થયા હતા.