Ambaji Bhadarvi Poonam: ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબાને ધજા ચડાવી, કહ્યું- જે લોકો ઘરે પણ કામ નથી કરતા તેમણે અહીં પદયાત્રીઓની સેવા કરી છે

મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 18 Sep 2024 05:06 PM (IST)Updated: Wed 18 Sep 2024 05:06 PM (IST)
gujarat-home-minister-harsh-sanghvi-hoists-flag-to-bless-ma-amba-on-last-day-of-ambaji-bhadarvi-poonam-mahamela-398605

Ambaji Bhadarvi Poonam 2024, અંબાજી ભાદરવી પૂનમ નો મેળો: ભાદરવી પૂનમ મહામેળાના અંતિમ દિવસે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મા અંબા ને ધજા ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા. દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળા દરમિયાન મેળાના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા માતાજીને ધજા ચડાવાની પરંપરા રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી બનાસકાંઠા પોલીસ ટીમ સાથે જોડાયા હતા.

રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીની આગેવાનીમાં રાજ્યના ડી.જી.પી વિકાસ સહાય અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ધજા ચડાવવામાં સહભાગી બન્યા હતા. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળામાં યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે રાઉન્ડ ધ કલોક ફરજ બજાવવામાં આવી હતી. અંબાજી મંદિર પાસેના ખોડીવલી સર્કલ ખાતે મુખ્ય પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા સમગ્ર મેળાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

દર વર્ષે મેળામાં અંતિમ દિવસે પૂનમે પોલીસ વિભાગ દ્વારા મા અંબાનો મેળો નિર્વિઘ્ને સુખરૂપ પૂર્ણ થતાં મા અંબાને ધજા ચડાવવામાં આવે છે. જે પરંપરા આ વર્ષે પણ યથાવત રાખી પોલીસ વિભાગ દ્વારા ધજા ચડવાવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાદરવી પૂનમના પવિત્ર અવસરે જણાવ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણે થી માઈભક્તો અંબાજી દર્શનાર્થે પધારી રહ્યા છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઈભક્તોની દર કિલોમીટરે લોકો સેવા કરી રહ્યા છે. જે લોકો ઘરે પીવાના પાણીનો ગ્લાસ નથી ભરતા તેવા લોકો હજારો લોકોના પગ દબાવવાનું કામ કરે છે. આવા લોકોનો રાજ્ય સરકાર તરફથી આભાર વ્યક્ત કરું છું. આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા રસ્તાઓ ઉપર બાથરૂમ, ટોઇલેટ, મેડિકલ, સફાઈ જેવી વિવિધ સુવિધાઓ કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વર્ષે લાખો માઈભક્તો આવ્યા હોવા છતાં સમગ્ર રસ્તામાં ક્યાંય કચરો જોવા મળ્યો નથી, જેના માટે સફાઈદુતો કામ કરી રહ્યા છે, તેમનો પણ ખૂબ ખૂબ આભાર. લોકોની શાંતિ અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત પોલીસની વર્ષોની પરંપરા મુજબ આજે મંદિર ખાતે ધ્વજા ચડાવવાનો અવસર મળ્યો છે. તે માટે ગુજરાત અને બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ વખતે ગુજરાત પોલીસની બહેનો મંદિરની સફાઈ કરતાં પણ જોવા મળ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આપણી આસ્થાનો સૌથી મોટો મેળો એવો ભાદરવી પૂનમનો મેળા માટે બનાસકાંઠા પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.

ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જય અંબે, બોલ માડી અંબેના જયઘોષ સાથે મા અંબાને ધજા ચડાવી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મા અંબાના આશીર્વાદથી મેળો સુખરૂપ સંપન્ન થયો હોવાનું જણાવી ગુજરાત પર આધશકિત અંબાના સદૈવ આશીર્વાદ કૃપાદ્રષ્ટિ રહે એવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મેળા દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માઇભકતોને સારી સેવા સુરક્ષા અને સલામતી પૂરી પાડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને તેમની કામગીરીને બિરદાવી હતી.