Morbi | Gujarat Rain Data: ઉત્તર ભારતમાં મેઘરાજા ભારે તારાજી સર્જી રહ્યા છે, જ્યારે ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગઈકાલે મોડી રાતથી અલગ-અલગ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે વહેલી સવારથી દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા હતા. જ્યારે સાંજ પડતાં સૌરાષ્ટ્રમાં મેઘકૃપા વરસી હોય તેમ લાગી રહ્યું છે.
હકીકતમાં આજે સવારથી મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં અસહ્ય બફારાથી લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા હતા. જો કે સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ મોરબીનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. વીજળીના કડાકા-ભડાકા અને સુસવાટા મારતો પવન ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
આ પણ વાંચો
સાંજે 6 થી 8 વાગ્યા સુધીના વીતેલા 2 કલાકની અંદર મોરબી શહેરમાં 39 મિ.મી (1.5 ઈંચ), માળીયા તાલુકામાં 39 મિ.મી (1.5 ઈંચ),હળવદ તાલુકામાં 29 મિ.મી (1.1 ઈંચ), ટંકારામાં 26 મિ.મી, વાંકાનેરમાં 16 મિ.મી જેટલો વરસાદ વરસ્યો છે.
આજ સમયગાળા દરમિયાન રાજ્યના અન્ય તાલુકામાં જોઈએ તો, છોટા ઉદેપુરના ક્વાંટમાં 44 મિ.મી (1.7 ઈંચ), ભરૂચના અંકલેશ્વરમાં 36 મિ.મી (1.4 ઈંચ), ભરૂચમાં 34 મિ.મી (1.3 ઈંચ) અને કચ્છના રાપરમાં 26 મિ.મી (1 ઈંચ) વરસાદ નોંધાયો છે.
આજે રાજ્યના 156 તાલુકામાં મેઘમહેરઃ સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 150 મિ.મી ખાબક્યો
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 156 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 150 મિ.મી (5.9 ઈંચ) વરસાદ નોંધાયો છે. આ સિવાય તાપુના સોનગઢમાં 110 મિ.મી (4.3 ઈંચ),ભરૂચના અંકલેશ્વરમાં 107 મિ.મી (4.2 ઈંચ) વરસાદ પડ્યો છે. જ્યારે આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 66 તાલુકામાં 1 ઈંચથી વધુ, 26 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 7 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.