Crime News: ઘરકંકાશનો લોહીયાળ અંત, માથે ખૂન સવાર થતાં પતિએ ભરબજારે હેલ્મેટ નીચે સંતાડેલી બંદૂક કાઢી પત્નીને ગોળી ધરબી દીધી

વિશ્વકર્મા અને મમતાના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા. દોઢ વર્ષથી દંપતી વચ્ચે ખટરાગ થતાં મમતા 13 વર્ષની દીકરીને લઈને બીજે ભાડે રહેવા જતી રહી હતી.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 04 Sep 2025 08:23 PM (IST)Updated: Thu 04 Sep 2025 08:23 PM (IST)
uttar-pradesh-crime-news-husand-killed-wife-by-firing-in-gorakhpur-597497
HIGHLIGHTS
  • ઉત્તર પ્રદેશના ગોરખપુરના શાહપુર વિસ્તારની ઘટનાથી સનસની
  • પત્નીની હત્યા બાદ પતિ 25 મિનિટ ઘટના સ્થળે ઉભો રહ્યો

Crime News: ઘરકંકાશનો ઘણી વખત કરૂણ અને લોહીયાળ અંત આવતો હોવાના બનાવો છાશવારે સામે આવતા રહે છે, ત્યારે આવો જ વધુ એક બનાવ ઉત્તર પ્રદેશના ગોરખપુરના શાહપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે. જેમાં એક પતિએ સરેઆમ પત્નીને ગોળીથી વિંધીને મોતને ઘાટ ઉતારી દીધી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગોરખપુર શહેરમાં રહેતા વિશ્વકર્મા ચૌહાણના લગ્ન આજથી 15 વર્ષ પહેલા મમતા નામની યુવતી સાથે થયા હતા. આ લગ્ન જીવન થકી બન્નેને 13 વર્ષની એક પુત્રી પણ છે. જો કે છેલ્લા દોઢ વર્ષથી પતિ-પત્ની વચ્ચે સતત ખટરાગ ચાલતો હતો. જેના પગલે મમતા પોતાની દીકરી સાથે ભાડે રહેવા જતી રહી હતી. જ્યા મમતા બેંક રોડ પર આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી.

ગઈકાલે મમતા ફોટો સ્ટુડિયોમાં ગઈ હતી. જ્યાં તેનો પતિ વિશ્વકર્મા પણ પહોંચી ગયો હતો. જેથી બન્ને વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બન્ને એકબીજા સાથે મારઝૂડ કરવા લાગ્યા હતા.

આ સમયે ગુસ્સાથી લાલચોળ વિશ્વકર્મા બહાર પાર્ક કરેલ પોતાની બાઈક નજીક આવ્યો હતો. જ્યાં પોતાના હેલ્મેટની પાછળ પિસ્તોલ છૂપાવીને રાખી હતી. જેવી મમતા બહાર આવી, તે સાથે જ વિશ્વકર્માએ તેને ગોળી ધરબી દેતા પત્ની લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગઈ હતી.

રક્તરંજિત પત્ની નજીક પતિનું એક જ રટણ- 'હું તેનાથી હેરાન થઈ ગયો'

પત્નીને છાતી અને હાથમાં એમ બે ગોળી માર્યા બાદ વિશ્વકર્મા 25 મિનિટ સુધી ઘટના સ્થળે ઉભો રહ્યો અને વારંવાર એક જ વાતનું રટણ કરતો હતો કે, 'હું તેનાથી ખૂબ જ હેરાન થઈ ગયો' હતો.

આખરે આસપાસના લોકોએ મમતાને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ મમતાને મૃત જાહેર કરી હતી.

આ બાબતની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે આરોપી પતિ વિશ્વકર્માની અટકાયત કરી લીધી છે. હાલ તો શાહપુર પોલીસની ટીમે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.