Mahisagar: સંતરામપુરથી રાજસ્થાન જતાં માનગઢ રોડ પર ભૂસ્ખલન, ભારે વરસાદથી પ્રોટેક્શન વૉલ તૂટતા 100 મીટર માર્ગ ધસી પડ્યો

હાલ રોડ વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. રોડની બન્ને તરફ બેરિકેડિંગ કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Sep 2025 09:18 PM (IST)Updated: Sun 07 Sep 2025 09:18 PM (IST)
mahisagar-news-landslide-due-to-heavy-rain-on-santrampur-to-rajasthan-road-near-mangadh-599145
HIGHLIGHTS
  • આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
  • ટ્રાફિકને ઓલ્ટરનેટ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું

Mahisagar: અત્યારે ગુજરાતના માથે મજબૂત ડિપ્રેશન હોવાથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે છેલ્લા ચારેક દિવસથી ગુજરાતમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે. એવામાં મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી ભુસ્ખલનની ઘટના સામે આવી છે.

હકીકતમાં મહીસાગર જિલ્લાના સંતરામપુરથી રાજસ્થાનના માનગઢ રોડ પર ભૂસ્ખલન થતાં આ રસ્તો વાહનોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. સતત પડી રહેલા વરસાદના કારણે રોડની નીચે કરવામાં આવેલી પ્રોટેક્શન વૉલ તૂટી જવાના કારણે ભૂસ્ખલન થયું છે.

આ ઘટના સમયે રોડ પરથી એક કાર પણ પસાર થઈ રહી હતી, જેમાં બે થી ત્રણ લોકો સવાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે.

આ અંગે કાર્યપાલક ઈજનેર અંકિતસિંહ ભદોરિયાએ જણાવ્યું કે, ભારે વરસાદના કારણે સંતરામપુર તાલુકાના ભમરી કુંડા-માનગઢ રોડ પર 100 મીટર જેટલો રોડ ભૂસ્ખલન થઈને ધોવાઈ ગયો છે. જેના પગલે અમે આ રોડ બંધ કરી દીધો છે. રોડની બન્ને તરફ બેરિકેડિંગ કરીને પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જ્યારે વાહન ચાલકોને માનગઢ અને રાજસ્થાન જવા માટે કુંડાથી માનગઢ ઓલ્ટરનેટ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

મહીસાગરમાં સાર્વત્રિક 1 ઈંચ જેટલો વરસાદ વરસ્યો

આજે મહીસાગર જિલ્લામાં ખાબકેલા વરસાદની વિગતો જોઈએ તો, લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 36 મિ.મી (1.4 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય કડાણામાં 20 મિ.મી, વીરપુરમાં 17 મિ.મી, ખાનપુરમાં 15 મિ.મી, સંતરામપુરમાં 12 મિ.મી., બાલાસિનોરમાં 11 મિ.મી વરસાદ નોંધાયો છે.