Mahisagar Rain News: મહિસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમમાં ઉપરવાસમાં ભારે પાણીની આવક નોંધાતા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાં 1.91 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી. રૂટ લેવલ જાળવવા માટે તંત્રે ડેમના 11 ગેટ 10 ફૂટ સુધી ખોલી માહી નદીમાં સમાન માત્રામાં 1.91 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.

ડેમમાંથી માત્ર દરવાજા દ્વારા જ નહીં, પરંતુ વીજળી ઉત્પાદન કરતા ટર્બાઇન મારફતે પણ પાણી છોડવામાં આવી રહ્યું છે. ટર્બાઇન દ્વારા હાલ 20 હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, જ્યારે સુજલામ સુફલામ કેનાલ મારફતે વધારાના 500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
કડાણા ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે, જ્યારે હાલ ડેમની સપાટી 415.10 ફૂટ સુધી પહોંચી ગઈ છે. આગામી કલાકોમાં પાણીની આવક વધવાની શક્યતા હોવાથી તંત્ર સતર્ક બની ગયું છે.
આ પણ વાંચો
મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાનાં નદીકાંઠાના તથા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને નદીકાંઠે કે પાણી ભરાયેલા વિસ્તારમાં ન જવા સૂચના આપવામાં આવી છે. પરિસ્થિતિ પર તંત્રની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને સતત મોનિટરિંગ ચાલુ છે.