Junagadh: જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં આજે વહેલી સવારે એક કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં ગીરની સરહદે આવેલા વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 4 વર્ષના માસૂમ બાળક પર સિંહણે જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખેત મજૂરી કરતા પરિવારનો આ બાળક વહેલી સવારે અચાનક ગુમ થયો હતો. પરિવારે શોધખોળ આદરતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરતા બાળકનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. બાળકના શરીર પર સિંહણના પંજાના અને હુમલાના ઊંડા જખમો જોવા મળ્યા હતા.
આ ઘટનાની ગંભીરતા જોતા સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી હતી. સિંહણ તુવેરના ખેતરમાં છુપાયેલી હોવાથી તેને બેભાન કરવા માટે ટ્રાન્ક્યુલાઇઝર ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જો કે આ ઓપરેશન દરમિયાન અચાનક મિસફાયર થતા અથવા ભૂલથી ટ્રાન્ક્યુલાઇઝરની ગોળી સિંહણના બદલે એક વનકર્મીને વાગી ગઈ હતી. જેમાં ગોળી વાગતા વનકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેના કારણે હાલ સિંહણને પકડવાનું ઓપરેશન ખોરંભે પડ્યું છે.
