Vadodara: શહેરના લાલબાગ બ્રિજ નીચે આજે બપોરના સમયે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર વિસ્તારમાં ભારે તણાવની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં એક જ કોમના બે જૂથ વચ્ચે કોઈ બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને ઘાતક હથિયારો સાથે એકબીજા પર તૂટી પડ્યા હતા.
આ દરમિયાન બન્ને જૂથ એકબીજા પર પથ્થમારો કરતાં મામલો વધારે બિચક્યો હતો. જેના પગલે લાલબાગ બ્રિજની આસપાસના વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. વેપારીઓ પણ ટપોટપ પોતાની દુકાનના શટર બંધ કરી દીધા હતા.
આ જૂથ અથડામણમાં 3 લોકોને ઈજા પહોંચી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટોળાને વિખેરીને પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને, તે માટે તકેદારીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે જવાબદાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓનું કહેવું છે.
નંદેસરી GIDCમાં બોઈલર ટ્યુબ લીકેજ થતાં કામદારને ગંભીર ઈજા
વડોદરા જિલ્લાની નંદેસરી GIDCમાં આવેલ સ્ટીમ હાઉસ (Steam House)માં બોઇલરની ટ્યુબ લીકેજ થઈ હતી. જેના કારણે ઉકળતું પાણી અને વરાળ પ્રેશર સાથે બહાર ફંટાઈ હતુ. આ સમયે ત્યાં કામ કરી રહેલ વિપુલ ગોહિલ (27) નામનો યુવક તેની ઝપટમાં આવી જતાં તે શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. હાલ તો કામદારને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમજ ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
