Ahmedabad: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) માલિકીની જગ્યાઓ તથા શહેરમાં જાહેર માર્ગો, ફૂટપાથ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા તેમજ શહેરના હવા ગુણવત્તા સૂચકાંક (AQI)માં સુધારાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં એસ્ટેટ વિભાગ દ્વારા મધ્યઝોનમાં સઘન અમલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીમાં PIL રૂટ પરથી ગેરકાયદેસર જાહેરખબર અને લારીઓ-ગલ્લાઓ દૂર કરીને રૂ. 17,200 નો દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે AQI ઘટાડવા માટે ગ્રીન નેટના નિયમોનું પાલન ન કરનાર અન્ડર કન્સ્ટ્રક્શન 3 સાઇટ પર રૂ. 50,000 નો દંડ ફટકારી સાઇટ સીલ કરવામાં આવી હતી. આમ કુલ રૂ. 67,200 નો દંડ વસૂલાયો હતો.
મધ્યઝોનના જમાલપુર ફૂલ બજાર, જમાલપુર શાકમાર્કેટ, ગીતા મંદિર બસ સ્ટેશન, કાલુપુર શાક માર્કેટ, કાલુપુર ફ્રુટ માર્કેટ, કાલુપુર, ભદ્ર પરિસર, ગાભા બજાર, નમસ્તે સર્કલ તેમજ દિલ્હી દરવાજા થી શાહપુર દરવાજા તરફના માર્ગ પર આવેલી AMCની દુકાનો આસપાસ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ માર્ગ પર આવેલી કાચા-પાકા શેડ પ્રકારની કુલ 54 દુકાનો (આશરે 1200.00 ચો.ફુટ વિસ્તાર) દ્વારા સ્વેચ્છાએ દબાણ દૂર ન કરાતા તા. 02/01/2026 તથા તા. 03/01/2026 ના રોજ ખાતાકીય અમલ હેઠળ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન લારીઓ, લોખંડના પલંગો, કાઉન્ટર ટેબલો, લોખંડના ટેબલો, પ્લાસ્ટિકના સ્ટૂલ, વાંસ-વડીઓ, લોખંડના પાઈપો, પ્લાસ્ટિકના કેરેટો તેમજ અન્ય પરચુરણ સામાન હટાવવામાં આવ્યો હતો. કામગીરી માટે એસ્ટેટ/ટી.ડી.ઓ. વિભાગ (મધ્યઝોન)ની ટીમ સાથે 05 ઇન્સ્પેક્ટર, 09 સબઇન્સ્પેક્ટર, ખાનગી 35 મજૂરો, પોલીસ સ્ટાફ તથા ટ્રાફિક પોલીસ સ્ટાફ જોડાયા હતા. દબાણ દૂર કરવા 01 જે.સી.બી. અને 10 દબાણ ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગળ પણ શહેરમાં જાહેર સુવિધાઓમાં અવરોધ ઉભા કરતા દબાણો સામે કડક અમલ ચાલુ રાખવામાં આવશે તેમજ AQI સુધારણા માટે ગ્રીન નેટ સહિતના પર્યાવરણીય નિયમોના કડક પાલન પર ભાર મૂકવામાં આવશે.
