Dwarka Gomti River Drowning: યાત્રાધામ દેવભૂમિ દ્વારકામાં પવિત્ર અધિક માસના પ્રારંભના પહેલા દિવસે જ એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે. ગોમતી નદીમાં સ્નાન કરવા ઉતરેલા રાજકોટના બે સગા ભાઈઓ ડૂબવા લાગ્યા હતા. આ દરમિયાન એક ભાઈનો બચાવ થયો હતો. જ્યારે, અન્ય 21 વર્ષીય યુવક હજુ પણ લાપતા છે.
ગોમતી નદીમાં ડૂબ્યા બે સગા ભાઈઓ
પ્રાપ્ત માહિતી અનુસાર, પવિત્ર અધિક માસના પ્રથમ દિવસે દેવભૂમિ દ્વારકાના ગોમતીઘાટ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી પડી છે. ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવેલા રાજકોટના બે યુવાન ભાઈઓ સ્નાન કરવા માટે ગોમતી નદીમાં ઉતર્યા હતા. પરંતુ નદીના પ્રવાહ અને ઊંડાણનો અંદાજ ન આવતા અચાનક પગ લપસવાથી તેઓ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
તરવૈયાઓએ એક ભાઈને બચાવી લીધો
આ યુવાનોને ડૂબતા જોઈને અને યાત્રિકોની બૂમાબૂમ સાંભળીને ઘાટ પર હાજર સ્થાનિક તરવૈયાઓ અને નાવિકોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક લોકોની મદદથી નદીમાં ડૂબી રહેલા બે ભાઈમાંથી એકને જીવતો બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ યુવકને વધુ સારવાર અર્થે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
21 વર્ષીય યુવાન લાપતા, સર્ચ ઓપરેશન શરૂ
બીજી તરફ, આ દુર્ઘટનામાં અન્ય 21 વર્ષીય યુવાન નદીના તેજ પ્રવાહમાં ખેંચાઈ જવાથી નજર સામે જ લાપતા થયો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ કાફલો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની રેસ્ક્યુ ટીમ તાબડતોબ ગોમતી ઘાટ પર પહોંચી હતી. રેસ્ક્યુ ટીમ દ્વારા બોટ અને આધુનિક સાધનોની મદદથી નદીના પટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
જોકે, કલાકોની સઘન શોધખોળ છતાં હજુ સુધી આ લાપતા યુવાનનો કોઈ પત્તો લાગ્યો નથી. આ ઘટનાને પગલે સમગ્ર યાત્રાધામમાં શોકનો માહોલ છવાયો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અન્ય દર્શનાર્થીઓને નદીમાં સ્નાન કરતી વખતે સાવચેતી રાખવા અને સરકારી સૂચનાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
