Rajkot News: રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો અને નશીલા પદાર્થો વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મોટી સફળતા મળી છે. ન્યારી ડેમ મેઈન રોડ પર પેટ્રોલિંગ દરમિયાન એસઓજીની ટીમે વૈભવી ’મસ્ટાંગ’ કારમાં રિવોલ્વર સાથે સેલ્ફી લેતા અને રીલ બનાવતા ત્રણ નબીરાઓને ઝડપી લઇ પરવાનાવાળી પિસ્તોલ અને 80 લાખની વૈભવી ’મસ્ટાંગ’ કાર સહિત કુલ રુ. 83.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
રિવોલ્વર સાથે 3 નબીરાઓની અટકાયત
પ્રાપ્ત વિગતો મુજબ, આજે વહેલી સવારે SOGના PI એન.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI વી.વી. ધ્રાંગુ અને તેમની ટીમ રાજકોટના ન્યારી ડેમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સરલા કામદાર રોટરી પાર્ક પાસે એક કાળા રંગની ફોર્ડ મસ્ટાંગ જીટી કાર નંબર જીજે-01-કેડબ્લ્યુ-0007 શંકાસ્પદ હાલતમાં ઉભેલી જણાઈ હતી. SOGએ જ્યારે તપાસ કરી ત્યારે કાર પાસે ઉભેલા ત્રણ નબીરા પિસ્તોલ સાથે ફોટા પાડી રહ્યા હતા. SOGએ તાત્કાલિક ત્રણેયની અટકાયત કરી હતી.
SOG ટીમે મસ્ટાંગ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, અમદાવાદના ઘાટલોડિયાનો ધ્રુમીલ અમીતભાઇ ઠાકોર (ઉ.વ. 20): અને ગાંધીનગરના કુડાસણ રહેતો આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ (ઉ.વ. 18) તેમજ રાજકોટની ધોળકિયા સ્કુલમાં અભ્યાસ કરતો એસ્ટેટ બ્રોકરનો સગીરવયનો પુત્ર હોવાનું ખુલ્યું હતું. તપાસમાં ધ્રુમીલ પાસેથી જર્મન બનાવટની ARMINIUS HW3" રિવોલ્વર અને એક જીવતો કારતૂસ મળી આવ્યો હતો. આ હથિયાર રાખવા માટે તેમની પાસે કોઈ પરમિટ નહોતી. આ ઉપરાંત, પોલીસે રુ. 80 લાખની ફોર્ડ મસ્ટાંગ કાર અને રૂા. 2.40 લાખની કિંમતના આઈફોન 16 પ્રો મેક્સ અને સેમસંગ ફોલ્ડ-4 એમ ત્રણ મોંઘા મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે.
સગીરના મિત્રના દાદાની રિવોલ્વર હોવાનું ખુલ્યું
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, અમદાવાદના ઘાટલોડિયાનો ધ્રુમીલ અમીતભાઇ ઠાકોર (ઉ.વ. 20) અને ગાંધીનગરના કુડાસણ રહેતો આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ અમદાવાદથી રાજકોટ એક પ્રસંગમાં આવ્યા હતા. આ રિવોલ્વર તેમનો રાજકોટનો મિત્ર 15 વર્ષનો ધોળકિયા સ્કુલનો વિધાર્થી, જે રાજકોટના એક જમીન દલાલનો પુત્ર છે, તે લાવ્યો હતો અને માત્ર ફોટા પાડવા માટે તેમને આપી હતી. 15 વર્ષીય સગીરના મિત્રના દાદાની આ પરવાનાવાળી રિવોલ્વર હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
એક સામે ગંભીર ગુનાઓ દાખલ
SOGની તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપી પૈકી આદિત્યસિંહ દિલીપસિંહ રાઠોડ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની વિરુદ્ધ અમદાવાદ ટ્રાફિક પોલીસ સ્ટેશન અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અને હુમલા જેવા ગુનાઓ નોંધાયેલા છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે આર્મ્સ એક્ટની કલમ 25(1-બી)એ, 29, જી.પી. એક્ટની કલમ 135 અને ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
SOG શાખાના પોલીસ ઈન્સપેક્ટર એન.બી.ચૌધરી સાથે PSI વી.વી.ધ્રાંગુ, ASI ઇન્દ્રસિંહ જાડેજા, ફિરોજભાઈ રાઠોડ, પો.હેડ.કોન્સ. મૌલિકભાઇ સાવલીયા, દિગ્વિજયસિંહ ગોહિલ, પો.કોન્સ. હાર્દિકસિંહ પરમાર, યોગેન્દ્રસિંહ ઝાલા, ક્યુ.આર.ટી.ના પો.હેડ.કોન્સ. અશ્વીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
