દેવભૂમિ દ્વારકાનું જહાજ 'હાજી અલી' ઓમાનના દરિયામાં ડૂબ્યું, તમામ 14 ખલાસીઓ સુરક્ષિત

માલવાહક જહાજ હાજી અલી દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું જહાજ છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 14 May 2026 09:40 AM (IST)Updated: Thu, 14 May 2026 09:41 AM (IST)
gujarat-salaya-port-ship-haji-ali-sinks-in-oman-sea-crew-rescued
HIGHLIGHTS
  • ઓમાનના દરિયામાં ગુજરાતનું જહાજ ડૂબ્યું
  • તમામ 14 ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવ્યા

Gujarat Cargo Ship Haji Ali Sinks in Oman Sea: ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું માલવાહક જહાજ 'હાજી અલી' (MSV HAJI ALI BDI 1492) ઓમાનના દરિયામાં દુર્ઘટનાગ્રસ્ત થઈને ડૂબી ગયું છે. આ જહાજ પર ડ્રોન હુમલો થયાની પ્રબળ આશંકા છે. સદનસીબે, જહાજ પર સવાર તમામ 14 ખલાસીઓને ઓમાન કોસ્ટગાર્ડે સહીસલામત બચાવી લીધા છે.

ઓમાનના દરિયામાં ડૂબ્યું સલાયાનું જહાજ

આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ગુજરાતનો શિપિંગ ઉદ્યોગ ભોગ બની રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઈરાન-અમેરિકાની ક્રોસ ફાયરિંગમાં ગુજરાતનું જહાજ અલ ફાઈઝ નૂર સુલેમાની-1 એક અઠવાડિયા પહેલા જ હોર્મુઝ સ્ટ્રેટમાં ડૂબી ગયું હતું. આ કડીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું જહાજ હાજી અલી ઓમાનના દરિયામાં ડૂબ્યું છે.

વહેલી સવારે પ્રચંડ વિસ્ફોટ-ભીષણ આગ

આ ઘટનાની વિગતો અનુસાર, 13 મે બુધવારના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે આ જહાજ બરબરા (સોમાલિયા) થી શારજાહ માટે લાઇવ સ્ટોક ભરીને જઈ રહ્યું હતું. જ્યારે જહાજ ઓમાનના લિમાહ નજીકથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે કોઈ અજાણ્યો વિસ્ફોટક પદાર્થ, સંભવતઃ ડ્રોન અથવા મિસાઈલ, જહાજ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ અકસ્માતના કારણે વહાણ પર આગ ફાટી નીકળી હતી.

કોસ્ટ ગાર્ડે કર્યું 14 ખલાસીનું સફળ રેસ્ક્યુ

આગ લાગ્યા બાદ જોતજોતામાં જહાજ દરિયામાં ગરકાવ થવા લાગ્યું હતું. જહાજ ડૂબી રહ્યું હોવાનું જણાતા તેના પર સવાર 1 ટંડેલ અને 13 અન્ય ખલાસીઓ સહિત કુલ 14 સભ્યોએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક લાઈફબોટનો સહારો લીધો અને પોતાનો જીવ બચાવ્યો હતો. ઓમાન કોસ્ટગાર્ડે ત્વરિત કાર્યવાહી કરી તમામ ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા અને તેમને ઓમાનના ડીબા બંદર પર ખસેડવામાં આવ્યા છે. 

હાજી અલી જહાજના માલિક સુલતાન અહમદ સંઘારે પણ પુષ્ટિ કરી છે કે, તમામ 14 માણસોને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. 

  1. હામિદ હાજી અબ્દુલ સંઘાર
  2. આમીન તૈયબ ગાંધાર
  3. રશીદ કરીમ જખરા
  4. અસલમભાઈ સંઘાર
  5. સંઘાર ફારુક હસન
  6. સંઘાર અઝીઝ ઈસ્માઈલ
  7. નવાઝ જુનાસ સુંભણીયા
  8. શેન અલીડુશેન ચમાડીયા
  9. ઈસ્માઈલ કાસમ ભાયા
  10. અયુબ હામિદ સંઘાર
  11. ગની મુસા સુંભણીયા
  12. એજાઝ અકબર સંઘાર
  13. બેલાઈ ઉમર ફારુક અલી
  14. જાવેદ સતાર સંઘાર

શિપિંગ વ્યવસાયીઓમાં ચિંતા પ્રસરી

સલાયામાં માત્ર એક અઠવાડિયાના ટૂંકા ગાળામાં જ આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજ સાથે અકસ્માત થવાની આ બીજી ઘટના છે, જેને પગલે સ્થાનિક શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે. હાલમાં ઓમાન પોલીસ દ્વારા આ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. 

ખલાસીઓને પરત લાવવા સરકારને માંગ

ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ જણાવ્યું કે, તમામ ખલાસીઓ અને તેમના દસ્તાવેજો સલામત છે, અને તેઓને સ્વદેશ પરત લાવવા માટે ભારત સરકારને વિનંતી કરવામાં આવી છે. ખલાસીઓને વહેલી તકે ભારત પરત લાવવા રાજદ્વારી સ્તરે પ્રયાસો તેજ કરવાની માંગ પણ ઉઠી રહી છે.