Devbhoomi Dwarka: કલ્યાણપુરના ગાગા ગામે કરુણાંતિકા, વીજશોકથી 8 અબોલ પશુઓના કરૂણ મોત

ગાગા ગામે હાઇવોલ્ટેજ 11 KV વીજ લાઈન તૂટી પડી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 05 May 2026 04:06 PM (IST)Updated: Tue, 05 May 2026 04:06 PM (IST)
devbhumi-dwarka-kalyanpur-animal-dies-of-electric-shock-by-11kv-power-line-in-gaga-village
HIGHLIGHTS
  • ગાગા ગામે વીજ લાઈન તૂટી પડી
  • વીજકરંટ લાગતા 8 પશુઓના મોત

Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલા ગાગા ગામે એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામમાંથી પસાર થતી હાઇવોલ્ટેજ 11 KV વીજ લાઈન અચાનક તૂટી પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 8 જેટલા અબોલ પશુઓના વીજ કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

હાઇવોલ્ટેજ 11 KV વીજ લાઈન તૂટી પડી

મળતી પ્રાથમિક માહિતી મુજબ, ગાગા ગામના રહેણાંક અને સીમ વિસ્તારની નજીકથી પસાર થતી આ 11 KV ની વીજ લાઈન કોઈ અગમ્ય કારણોસર અચાનક જમીન પર તૂટી પડી હતી. જીવંત વીજ વાયર જમીન પર પડતાની સાથે જ ત્યાં હાજર પશુઓ તેની અડફેટે આવી ગયા હતા. હાઇવોલ્ટેજ વીજળીનો જોરદાર કરંટ લાગવાને કારણે આ પશુઓને બચવાની કોઈ તક જ મળી ન હતી, અને તેમનું મોત નીપજ્યું હતું.

8 અબોલ પશુઓના કરૂણ મોત નીપજ્યા

આ અકસ્માતમાં કુલ 8 નિર્દોષ જીવોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં 5 ભેંસોનો પણ સમાવેશ થાય છે. ગરીબ પશુપાલકો માટે આ પશુઓ તેમની આજીવિકા સમાન હતા. એક સાથે 5 ભેંસોના મોત થતા પશુપાલકો પર જાણે આભ તૂટી પડ્યું છે, અને તેમને ખૂબ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

લોકોમાં ભારે રોષ, "મોટી જાનહાનિ થાત તો?"

આ ઘટના બનતાની સાથે જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા, અને ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ વીજ વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, તંત્રની બેદરકારી અને જર્જરિત વાયરોને કારણે જ આ 8 નિર્દોષ પશુઓનો ભોગ લેવાયો છે.

ગ્રામજનોએ એવો ભય પણ વ્યક્ત કર્યો હતો કે જો આ તૂટેલો વાયર કોઈ વ્યક્તિ પર પડ્યો હોત તો બહુ મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાને પગલે ગાગા ગામ અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે અને જવાબદાર તંત્ર સામે પગલાં ભરવાની માંગ ઉઠી છે.