Devbhumi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર જિલ્લા પંચાયત બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી. જેની મતગણતરી આજે હાથ ધરાઇ હતી. જેમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પછડાત આપીને આમ આદમી પાર્ટીના ઉમેદવારે જીત હાંસલ કરી છે. આપ ઉમેદવારનો 3651 મતોની સરસાઇથી વિજય થયો છે.
જિલ્લા પંચાયતની ભાડથર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરાભાઇ કંડોરિયાના વિજયથી કાર્યકરો અને તેમના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાર્યકરો દ્વારા ફટાકડાં ફોડી અને એકબીજાનો મોં મીઠું કરાવી વિજયોત્સવની ઉજવણી કરી હતી. આ બેઠક પર ભાજપ અને આપ વચ્ચે સીધી ટક્કર હતી. જોકે મતદાતાઓએ આપના ઉમેદવાર પર વિશ્વાસનો કળશ ઢોળ્યો હતો.
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરાભાઈ કંડોરિયાને કુલ 7,146 મત મળ્યા હતા. જ્યારે તેમના મુખ્ય હરીફ અને ભાજપના ઉમેદવાર માલતીબેન પરબતભાઈ કંડોરિયાને 3,495 મત મળ્યા હતા. વીરાભાઈએ ભાજપના ઉમેદવારને 3,651 મતોની જંગી સરસાઈથી પરાજય આપ્યો છે. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર હાલાભાઈ ઘોઘાભાઈ પિંડારિયા માત્ર 521 મત મેળવી શક્યા હતા અને તેમની ડિપોઝિટ પણ જોખમમાં મુકાઈ ગઈ હતી.
જીત બાદ આપ ઉમેદવાર વીરાભાઈએ જણાવ્યું હતું કે, આ મારી જે જીત છે એ 14 ગામના ખેડૂતો અને ગુજરાતના તમામ ખેડૂતોને હું સમર્પિત કરું છું. આ મારી નહીં પરંતુ ગુજરાતની જનતાની જીત છે. આમ આદમી પાર્ટી અને હું માત્ર એક સિમ્બોલ હતા પણ જે પ્રેમ અને સહકાર મળ્યો છે એ ખેડૂતો, ગરીબો અને વંચિતોને મળ્યો છે. આ મારી જીત અને આમ આદમી પાર્ટીની જીત અમે ખેડૂતો અને ગરીબોને સમર્પિત કરીએ છીએ.
પંચાયત સ્તરની આ પેટાચૂંટણીમાં AAPની પ્રચંડ જીતથી સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. સામાન્ય રીતે ભાજપનો ગઢ ગણાતી બેઠકો પર ગ્રામીણ સ્તરે આમ આદમી પાર્ટીએ મજબૂત પકડ સાબિત કરી બતાવી છે.
