Dwarka Utsav 2026: ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જન્માષ્ટમીના પાવન પર્વની પવિત્ર સંધ્યાએ દ્વારકા ખાતે ભવ્ય "દ્વારકા ઉત્સવ-2026"ની ઉજવણી કરવામાં આવી હતી. હાથી ગેટની પાસે નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ ઉત્સવમાં સુપ્રસિદ્ધ લોકગાયકો ગીતાબેન રબારી તેમજ ભાવેશભાઈ આહિર અને ટીમ દ્વારા પારંપારિક લોકગીતો અને કૃષ્ણ ભજનોની રમઝટ બોલાવી સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું.
મુળુભાઈ બેરાએ જન્માષ્ટમીની શુભકામના પાઠવી
જન્માષ્ટમી પર્વેની સર્વેને શુભકામનાઓ પાઠવતા ધારાસભ્ય મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, જન્માષ્ટમીના પાવન દિવસે આપણે સૌ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાંસ્કૃતિક વિરાસતને પ્રતિબિંબિત કરતો દ્વારકા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના "વિકાસ ભી વિરાસત ભી" મંત્રને સાકાર કરતો આ કાર્યક્રમ યોજવા બદલ વહીવટી તંત્ર તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગને અભિનંદન પાઠવું છું.
જિલ્લા કલેક્ટરે આવેલા મહેમાનોનું સ્વાગત કર્યું
આ તકે ધારાસભ્ય પબુભા માણેકે જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસની સાથે સાથે જન્માષ્ટમીના પાવન પર્વે સર્વેને શુભકામનાઓ પાઠવું છું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપણી સંસ્કૃતિના પુનઃ ઉત્થાન માટે રાજ્યના પવિત્ર યાત્રાધામોનો વિકાસ કરી સાંસ્કૃતિક ચેતનાને ઉજાગર કરી છે. જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જન્માષ્ટમી પાવન અવસરે ઉપસ્થિત સૌ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશ્નર યોગેશ નિરગૂડેએ પ્રાસંગિક ઉદબોધન કરી સૌને આવકાર્યા હતા.
કલાકારોએ'મારો દેવ દ્વારકાવાળો' નૃત્યનાટિકાની પ્રસ્તુતિ કરી
દ્વારકાના ઝાંઝરી ગ્રુપ દ્વારા શ્રી કૃષ્ણની દિવ્ય લીલાઓને પ્રસ્તુત કરતી 'મારો દેવ દ્વારકાવાળો' નૃત્યનાટિકાની પ્રસ્તુતિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા, નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈ, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી ગિલ, પ્રાંત અધિકારી વાય.પી.ગઢવી અગ્રણી સર્વે જે.કે.હાથિયા, વિજય બુજડ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
