Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયામાં રખડતા ઢોરનો ત્રાસ હવે માનવ જિંદગી માટે કાળ સમાન સાબિત થઈ રહ્યો છે. શહેરના ધરમપુર વિસ્તારમાં એક રખડતા આખલાએ 13 વર્ષના નિર્દોષ બાળક પર હિંસક હુમલો કરીને તેને મોતના મુખમાં ધકેલી દેતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે રોષની લાગણી વ્યાપી ગઈ છે.
રખડતા આખલાએ કર્યો અચાનક હુમલો
મળતી માહિતી મુજબ, ખંભાળિયા શહેરના ધરમપુર વિસ્તારમાં રહેતો 13 વર્ષીય સાહિલ મહેન્દ્રભાઈ નકુમ પોતાના કામ અર્થે સાયકલ લઈને મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન રસ્તા પર ઉભેલા એક તોફાની આખલાએ અચાનક સાહિલ પર જીવલેણ હુમલો કર્યો હતો. આખલાએ જોરદાર શિંગડું મારતા સાહિલ સાયકલ પરથી નીચે પટકાઈ ગયો હતો.
બાળકને છાતીમાં શિંગડું વાગતા ફસડાયો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હુમલો એટલો ગંભીર હતો કે આખલાનું શિંગડું સાહિલની છાતીના ભાગે વાગતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ફસડાઈ પડ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા સાહિલને બચાવવા માટે તેના પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક તેને હોસ્પિટલ લઈ દોડ્યા હતા.
સારવાર મળે તે પહેલા જ માસૂમે દમ તોડ્યો
જોકે, કમનસીબે હોસ્પિટલ પહોંચે અને તેની સારવાર શરૂ થઈ શકે તે પૂર્વે જ આ આશાસ્પદ કિશોરે પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. સાહિલના અકાળે અવસાનના સમાચાર મળતા જ નકુમ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. વહાલસોયા પુત્રનું મોત થતા સ્વજનોના હૈયાફાટ રુદનથી હોસ્પિટલ પરિસર અને સ્થાનિક વિસ્તારનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
આ પણ વાંચો: દ્વારકા હાઈવે પર અકસ્માત; કાર ડિવાઈડર સાથે અથડાતા જામનગરના દંપતિનું કરુણ મોત, 3 ઈજાગ્રસ્ત
બાળકના પરિવારમાં માતમ અને લોકોમાં રોષ
જામ ખંભાળિયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. અવારનવાર થતા આવા અકસ્માતો અને હુમલાઓ છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ સ્થાનિક લોકો કરી રહ્યા છે. એક નિર્દોષ બાળકની બલી લેવાયા બાદ હવે તંત્ર જાગશે કે કેમ તેવા સવાલો સાથે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
