Devbhoomi Dwarka News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્ણ થતાં જ દ્વારકામાં ડિમોલિશન, રૂપેણ બંદર નજીક ગેરકાયદે દબાણો હટાવાયા

ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રની સપાટા બોલાવતી કાર્યવાહી કરવામાં આવી છે. આગામી સમયમાં વધુ દબાણો દૂર થવાની શક્યતા છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 30 Apr 2026 11:50 AM (IST)Updated: Thu, 30 Apr 2026 11:50 AM (IST)
devbhoomi-dwarka-news-dwarka-mega-demolition-after-elections-illegal-encroachments-cleared-near-rupen-bandar

Devbhoomi Dwarka News: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થતાં જ દ્વારકા પ્રશાસન ફરી એકવાર એક્શન મોડમાં આવી ગયું છે. આજે દ્વારકાના રૂપેણ બંદર નજીક આવેલ ગેરકાયદે ધાર્મિક દબાણો હટાવવાની કામગીરીનો સપાટો બોલાવવામાં આવ્યો હતો. તંત્રની આ મેગા ડિમોલિશન ડ્રાઇવને પગલે ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અગાઉથી જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી

મળતી માહિતી મુજબ, સ્થાનિક તંત્ર દ્વારા રૂપેણ બંદર આસપાસના વિસ્તારમાં થયેલા દબાણો અંગે અગાઉથી જ કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસની મુદત પૂર્ણ થવા છતાં દબાણો દૂર ન થતાં આખરે આજે વહીવટી તંત્ર દ્વારા જેસીબી અને બુલડોઝર સાથે કાર્યવાહી અમલમાં મુકવામાં આવી હતી. ધાર્મિક દબાણો હટાવવાની આ કામગીરી હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ચુસ્ત અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

naidunia_image

શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન પાર પાડવામાં આવ્યું

ચૂંટણીનો માહોલ શાંત થતાં જ શરૂ થયેલી આ દબાણ હટાવ ઝુંબેશને લઈને સ્થાનિક લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. મોટી સંખ્યામાં લોકો આ કાર્યવાહી જોવા ઉમટી પડ્યા હતા, પરંતુ પોલીસ દ્વારા તમામને દૂર રાખીને શાંતિપૂર્ણ રીતે ડિમોલિશન પાર પાડવામાં આવ્યું હતું.

પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર, હજુ પણ આ વિસ્તારમાં અને દ્વારકાના અન્ય વિસ્તારોમાં ડિમોલિશનની કામગીરી ચાલુ રહે તેવી પ્રબળ શક્યતા છે. આગામી સમયમાં સરકારી જમીનો પર થયેલા વધુ ગેરકાયદે દબાણો સામે પણ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે.