Devbhoomi Dwarka News: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી જમીનોને અતિક્રમણ મુક્ત કરાવવા માટે વહીવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે સરકારી જમીન પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી મેગા ડિમોલિશનની કાર્યવાહી સતત બીજા દિવસે પણ યથાવત રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, પોશીત્રા ગામમાં આવેલ સરકારી સર્વે નંબર ૫૬૭માં કેટલાક ગેરકાયદેસર ધાર્મિક દબાણો ઊભા કરવામાં આવ્યા હોવાનું તંત્રના ધ્યાને આવ્યું હતું. ત્યારબાદ પ્રશાસન દ્વારા કડક વલણ અપનાવીને મેજિસ્ટ્રેટ અને પોલીસ વિભાગના સંયુક્ત માર્ગદર્શન હેઠળ આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
આ ઓપરેશન દરમિયાન જેસીબી અને હિતાચી મશીનોની મદદથી અંદાજિત ૬૫૦ ચોરસ મીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલા દબાણોને જમીનદોસ્ત કરી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.
ડિમોલિશનની આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક સ્તરે કોઈ વિરોધ ન થાય અથવા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે હેતુથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારે પોલીસ જવાનોની હાજરી વચ્ચે શાંતિપૂર્ણ રીતે આખી કામગીરી પાર પાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સરકારી જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીનો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં અને આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
દ્વારકા ડિમોલિશનમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાની પ્રતિક્રિયા
દ્વારકા ડિમોલિશનમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ કહ્યું છે કે ચૂંટણી પુરી ભાજપે એનો અસલી રંગ બતાવવાનું ચાલુ કર્યું છે. વેરાન જગ્યા પર આવેલા ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવ્યા છે. ઓખા મંડળમાં રામાપીર મંદિર સહિત ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફેરવ્યા છે. સરકારને જો સરકારની જમીનનું જ મહત્વ હોય તો કિંમતી જમીન પર કેમ બુલડોઝર ફરતું નથી?દ્વારકા શહેરમાં કિંમતી જમીન પર ભાજપના નેતાઓએ દબાણ કર્યા એના પર બુલડોઝર ક્યારે ફરશે? ખરેખર કિંમતી જગ્યા દ્વારકા શહેરમાં છે વેરાન જગ્યામાં જમીનની કિંમત ઓછી હોય જો દમ હોય તો ભાજપના નેતાઓએ સરકારી જગ્યામાં કરેલ દબાણ દૂર કરે. ભાજપના નેતાઓના ગેરકાયદેસર બંગલાઓ, દુકાનો, ઓફિસો, પાર્કિગમાં બુલડોઝર ક્યારે ફરશે.
