Devbhoomi Dwarka News: યાત્રાધામ દ્વારકાને જોડતા ખંભાળિયા-દ્વારકા હાઈવે પર આજે વધુ એક વાર રક્તરંજિત અકસ્માતની ઘટના સામે આવી છે. હાબરડીના પાટિયા પાસે એક બેકાબૂ કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અકસ્માતમાં દંપતિનું કમકમાટીભર્યું મોત
પ્રાપ્ત વિગતો મુજબ, જામનગરનો એક પરિવાર પોતાની કારમાં સવાર થઈ દ્વારકા દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ દરમિયાન હાબરડીના પાટિયા પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી. ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ દુર્ઘટનામાં એક મહિલા અને એક પુરુષનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
3 ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડાયા
દુર્ઘટના થતા જ આસપાસના લોકો અને માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા. લોકોએ કારમાં ફસાયેલા અન્ય 3 ઈજાગ્રસ્તોને ભારે જહેમત પછી બહાર કાઢ્યા હતા. તેમજ એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને ખંભાળિયાની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જોકે, તેમની હાલત અત્યંત નાજુક જણાતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે જામનગર રિફર કરવામાં આવ્યા છે.
