Devbhoomi Dwarka: રૂપેણ બંદર પોલીસ ચોકી પર પથ્થરમારો, સ્વબચાવમાં પોલીસે કર્યું 5 રાઉન્ડ ફાયરિંગ

રૂપેણ બંદરે યોજાયેલી બાઈક રેલી દરમિયાન આ હિંસક બનાવ બન્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 09 May 2026 09:39 AM (IST)Updated: Sat, 09 May 2026 09:39 AM (IST)
devbhoomi-dwarka-rupen-bandar-police-station-clash-and-firing-in-self-defense
HIGHLIGHTS
  • દ્વારકાના રૂપેણ બંદરે બાઈક રેલીમાં બબાલ
  • રૂપેણ બંદર પોલીસ ચોકી પર પથ્થરમારો
  • સ્વબચાવમાં પોલીસે કર્યું 5 રાઉન્ડ ફાયરિંગ

Devbhoomi Dwarka Police News: દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં યોજાયેલ એક બાઈક રેલી દરમિયાન હાઈવે બ્લોક કરવા બાબતે થયેલી સામાન્ય સમજાવટ બાદ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ ચોકીમાં ભારે તોડફોડ મચાવી હતી. પરિસ્થિતિ વણસતા અને પોલીસકર્મીઓ પર જોખમ ઊભું થતાં પોલીસે સ્વબચાવમાં હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.

શું હતો સમગ્ર મામલો?

ગત 7 મે, ગુરુવારે ક્રાંતિવીર મુળુભા માણેકની પુણ્યતિથિ નિમિત્તે હિન્દુ વાઘેર સમાજ દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી જ્યારે રૂપેણ બંદર વિસ્તારમાં પહોંચી ત્યારે રેલીમાં સામેલ શખ્સોએ હાઈવે બ્લોક કરી દીધો, જેનાથી જાહેર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ફરજ પર હાજર રહેલા હેડ કોન્સ્ટેબલ ગીરૂભા જાડેજા અને તેમના સ્ટાફે વાહનો રસ્તાની એક બાજુ રાખવા માટે સૂચના આપી હતી.

પોલીસ જવાનો અને ચોકી પર હુમલો

પોલીસની સૂચનાથી ઉશ્કેરાઈ ગયેલા કેટલાક શખ્સોએ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કરી બિભત્સ ગાળો ભાંડી હોવાનો આરોપ છે. જોતજોતામાં મામલો એટલો બિચક્યો કે ટોળાએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આક્રમક બનેલ ટોળું રૂપેણ બંદર પોલીસ ચોકીમાં ઘૂસી ગયું, અને બારી-દરવાજામાં તોડફોડ કરી સરકારી નુકસાન કર્યું હતું.

પોલીસે હવામાં કર્યું 5 રાઉન્ડ ફાયરિંગ 

જ્યારે ટોળું પોલીસ ચોકીની અંદર ઘૂસવા લાગ્યું અને પોલીસ જવાનોના જીવ પર જોખમ ઊભું થયું, ત્યારે પોલીસે મજબૂરીવશ અને સ્વબચાવમાં હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ કરી ટોળાને વિખેરી નાખ્યું હતું. આ સમગ્ર બનાવનો વીડિયો હાલ સામે આવ્યો છે. જેમાં ટોળા વચ્ચેથી એક પોલીસ જવાન હવામાં ફાયરિંગ કરતા નજરે પડે છે.

7 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ

આ હિંસક ઘટના અને કાયદો-વ્યવસ્થા હાથમાં લેવા બદલ પોલીસે 7 શખ્સો સામે નામ જોગ ફરિયાદ નોંધી છે. આ આરોપીઓમાં નીચેના શખ્સનો સમાવેશ થાય છે:

  • અશ્વિન વાઘા
  • કાના વાઘા
  • દેવુ ભીખા કેર
  • અજય ઉર્ફે જીથરો મકવાણા
  • રવિ માણેક
  • અર્જુન સતૈયાભા માણેક
  • કનૈયાભા ધનાભા માણેક

આ તમામ શખ્સો સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ DySP સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ PI ટી.સી. પટેલ આ મામલાની વધુ તપાસ ચલાવી રહ્યા છે.