Aravalli | Gujarat Rain: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ લો પ્રેશર બનીને ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે, જેના પગલે ભારે વરસાદની શક્યતાને જોતા અલગ-અલગ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે સતત બીજા દિવસે મેઘરાજાએ ઉત્તર ગુજરાતમાં તોફાની બેટિંગ કરી છે.
આજે સવારે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી અરવલ્લી જિલ્લાના ધનસુરામાં સૌથી વધુ 111 મિ.મી (4.3 ઈંચ) ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાસ વાત એ છે કે, આટલો વરસાદ તાલુકામાં સાંજે 4 થી 6 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં જ ખાબક્યો છે.
આ સિવાય વલસાડના ધરમપુરમાં 70 મિ.મી (2.7 ઈંચ), મહીસાગરના કડાણામાં 68 મિ.મી (2.6 ઈંચ), તાપીના સોનગઢમાં 64 મિ.મી (2.5 ઈંચ), જૂનાગઢના વિસાવદરમાં 61 મિ.મી (2.4 ઈંચ), વડોદરાના સિનોરમાં 58 મિ.મી (2.2 ઈંચ) વરસાદ નોંધાયો છે. આમ આજે આખા દિવસ દરમિયાન રાજ્યના 42 તાલુકામાં 1 ઈંચથી વધુ અને 10 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
ધનસુરાનો અમૃત સરોવર ઑવરફ્લો, લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા
જો ધનસુરાની વાત કરીએ તો, સાંજે 2 કલાકમાં જ સવા 4 ઈંચ કરતા વધુ વરસાદ તૂટી પડતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં તો રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. જવાહર બજારમાં ઘુંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે અનેક દુકાનોમાં પણ પાણી ફરી વળતા વેપારીઓને વ્યાપક નુકસાન થયું છે. આ સિવાય ધનસુરાના અમૃત સરોવર ઑવર ફ્લો થતાં જનતાનગરમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા હતા. જેના કારણે તેમની ઘરવખરી પલળી ગઈ હતી.

છેલ્લા 2 કલાકમાં 37 તાલુકામાં વરસાદઃ દહેગામમાં સૌથી વધુ 37 મિ.મી વરસાદ
સાંજે 6 થી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 37 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી ગાંધીનગરના દહેગામમાં સૌથી વધુ 37 મિ.મી (2.8 ઈંચ) વરસાદ વરસ્યો છે. આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 40 મિ.મી, અમદાવાદના ધોળકામાં 35 મિ.મી અને ખેડાના નડિયાદમાં 28 મિ.મી વરસાદ વરસ્યો છે.