Ambaji Bhadarvi Poonam 2025 | Banaskantha: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે ઉજવાઈ રહ્યો છે. જેમાં દર વર્ષે માઈભક્તોની સંખ્યામાં ઉત્તરોતર વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે મેળો શરૂ થયાના ત્રણ દિવસમાં 22.43 લાખ જેટલા ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી છે.
ગઈકાલે સાંજે 5 થી આજે સાંજે 5 વાગ્યા સુધીના 24 કલાકમાં 7,43,81 શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શનનો લ્હાવો લીધો છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી ઉમટી પડતા સમગ્ર માર્ગ બોલ મારી અંબે..જય જય અંબેના નારાથી ગુંજી રહ્યો છે.
આજે ચોથા દિવસે ઉડન ખટોલા અર્થાત રોપવેમાં 10,545 યાત્રિકો નોંધાયા છે. આમ 4 દિવસ દરમિયાન કુલ 38,991 યાત્રિકોએ ગબ્બર સુધી પહોંચવા માટે રોપવે સેવાનો લાભ લીધો છે.

જ્યારે આજે ચોથા દિવસે 1,11,758 જેટલા યાત્રાળુઓએ બસમાં પ્રવાસ કર્યો હતો. જેના માટે કુલ 2574 ટ્રિપો થઈ હતી. મેળાના ચોથા દિવસે 509 જેટલા સંઘ અને માઈભક્તોએ ધજારોહણ કરી હતી.

જો પ્રસાદની વાત કરીએ તો, આજે ચોથા દિવસે 3,83,060 જેટલા મોહનથાળના પ્રસાદ તેમજ 6039 જેટલા ચીકીના પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ 84 હજારથી વધુ ભાવિકોએ ભોજનાલયમાં પ્રસાદ આરોગ્યો હતો. જ્યારે આજે ચોથા દિવસે મંદિર ટ્રસ્ટને 2.500 ગ્રામ સોનાની આવક નોંધાઈ છે.