અમદાવાદમાં 'ઝાયડસ સરદારધામ યુનિવર્સિટી' માટે 500 કરોડનું દાન, પંકજ પટેલે કરી મોટી જાહેરાત 

પંકજ પટેલ ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સીસના ચેરમેન છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 12 May 2026 08:34 AM (IST)Updated: Tue, 12 May 2026 08:34 AM (IST)
pankaj-patel-donate-500-crore-for-zydus-sardardham-university-in-ahmedabad
HIGHLIGHTS
  • અમદાવાદમાં યુનિવર્સિટી માટે 500 કરોડનું દાન
  • ઝાયડસના ચેરમેન પંકજ પટેલની મોટી જાહેરાત
  • ઝાયડસ સરદારધામ યુનિવર્સિટીની સ્થાપના થશે

Vadodara News: ગતરોજ વડોદરા ખાતે સરદારધામ 3 નો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સીસના ચેરમેન અને અમદાવાદના અબજોપતિ ઉદ્યોગપતિ પંકજ રામનભાઈ પટેલે એક મોટી જાહેરાત કરી છે. તેમણે અમદાવાદમાં 'ઝાયડસ સરદારધામ યુનિવર્સિટી' ની સ્થાપના માટે 500 કરોડ રૂપિયાના માતબર દાનની જાહેરાત કરી છે.

સરદારધામ-3 ઉદ્ઘાટન સમારોહમાં જાહેરાત

વડોદરા ખાતે યોજાયેલા સરદારધામ-3 ના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાટીદાર સમાજના અનેક આગેવાનોની ઉપસ્થિતિમાં આ જાહેરાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં સરદારધામના આ ત્રીજા શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પંકજ પટેલ અને સરદારધામના પ્રધાન સેવક ગગજીભાઈ સુતરિયાએ સંયુક્ત રીતે 500 કરોડ રૂપિયાના દાનની જાહેરાત કરી હતી.

ફોર્બ્સની યાદીમાં 24 મા ક્રમે છે પંકજ પટેલ

પંકજ પટેલ ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સીસના ચેરમેન અને અમદાવાદના અબજોપતિ ઉદ્યોગપતિ છે. આપને જણાવી દઈએ કે,ઝાયડસના ચેરમેન પંકજ પટેલનું નામ ઓક્ટોબર 2024 માં ફોર્બ્સ દ્વારા જાહેર કરાયેલ ભારતની 100 સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં 24 મા ક્રમે હતું. ફોર્બ્સના આંકડા મુજબ તેમની કુલ સંપત્તિ 10.2 અબજ ડોલર હોવાનો અંદાજ છે.

શું છે સરદારધામ સંસ્થા?

સરદારધામ એ પાટીદાર સમાજની એક અગ્રણી સંસ્થા છે. આ સંસ્થા જરૂરિયાતમંદ પાટીદાર યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવા અને કૌશલ્ય વિકાસ (સ્કિલ ડેવલપમેન્ટ) માટે તાલીમ પૂરી પાડીને મદદરૂપ થાય છે. સરદારધામનું મુખ્ય મથક અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર આવેલું છે.