Vadodara News:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વડોદરા ખાતે સરદારધામ 3- ડૉ. દુષ્યંત અને દક્ષા પટેલ સંકુલનું લોકાર્પણ, સર્વ સમાજના તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સરદારધામ શિક્ષણ સહાય યોજનાનો શુભારંભ તથા કન્યા છાત્રાલય ફેઝ-2 નું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સરદારધામ, ખોડલધામ, ઉમિયા માતાજી સંસ્થાન (ઊંઝા અને સિદસર), અન્નપૂર્ણાધામ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કેળવણીધામ, સમસ્ત પાટીદાર સમાજ સુરત, સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ સુરત સહિતના સંસ્થાનો દ્વારા સંયુક્તપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘સરદાર ગૌરવ રત્ન‘ થી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
સરદારધામ ખાતેના કાર્યક્રમ બાદ વડોદરા ખાતે ઘોડા સર્કલ થી એરપોર્ટ સુધી વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. પશ્ચિમ બંગાળ, આસામ, પૂડુચેરી વિધાનસભા ચુંટણીમાં તથા ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપાના પ્રચંડ વિજય બાદ પ્રથમ વખત ગુજરાત પધારેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે રોડ-શોના સમગ્ર રૂટમાં વડોદરાવાસીઓ પરિવાર સાથે ઉમટી પડ્યા હતાં. સમગ્ર વાતાવરણ ‘જય શ્રી રામ‘, ‘વંદે માતરમ્‘, ‘ભારતમાતા કી જય‘, ‘મોદી મોદી‘, ‘દેખો દેખો કોન આયા ભારત કા શેર આયા‘ ના નાદ થી ગુંજી ઉઠ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી કારમાં ઊભા રહી સૌ નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. રોડ-શો માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યાં હતાં. વડોદરામાં વસતા દેશના વિવિધ ક્ષેત્રોના નાગરિકો પારંપરિક વેશભૂષામાં પધાર્યા હતા જેનાથી રોડ-શો દરમિયાન વિવિધતામાં એકતાના દર્શન થયા હતાં.
સરદારધામ-૩ ના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, સરદારધામ સંસ્થાના પ્રકલ્પો ભવિષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટે મજબૂત આધારસ્તંભ સાબિત થશે અને યુવાનો માટે લોન્ચિંગ પેડનું કાર્ય કરશે. આવા પુણ્ય કાર્યો માટે તેમણે સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતાં. તાજેતરના બંગાળ, આસામ અને પુડુચેરીના ચૂંટણી પરિણામોને લઇને દેશમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હોવાનું જણાવી વડાપ્રધાન મોદીજીએ કહ્યું કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ પણ સમગ્ર દેશમાં ચર્ચા જગાવી છે.
ગુજરાતના લોકોએ હંમેશા રાજકીય સ્થિરતાને મહત્વ આપ્યું છે અને એ જ દુરદર્શિતાના કારણે રાજ્યમાં મજબૂત આર્થિક વિકાસ શક્ય બન્યો છે. તેમણે ઉમેર્યું કે આપ સૌ વચ્ચે આવવું અને કાર્યક્રમનો ભાગ બનવું તેમના માટે ઘેર આવ્યા જેવી લાગણી છે, જ્યાં સમાજની સામૂહિક શક્તિનો સકારાત્મક અહેસાસ થાય છે. સમાજમાં સ્થાયી પરિવર્તન માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે જે સમાજે શિક્ષણને પ્રાથમિકતા આપી છે તે હંમેશા આગળ વધ્યો છે.
સરદારધામના કાર્યને વખાણતા વડાપ્રધાનએ જણાવ્યું કે સંસ્થાના પ્રયાસોથી યુવાઓ અને ખાસ કરીને દીકરીઓને નવી તકો મળી રહી છે. અમદાવાદમાં ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપુજનથી લઈને લોકાર્પણ સુધીની સફર અને આજે હજારો દીકરીઓ ત્યાં શિક્ષણ લઈ રહી છે તે ગૌરવની બાબત છે. દેશભરમાં સરદારધામ જેવી સંસ્થાઓ યુવાનોના ભવિષ્ય નિર્માણમાં યોગદાન આપી રહી છે. આજે દીકરીઓ માટેના નવા છાત્રાલયનું ભૂમિપુજન થયું છે. તેમણે જણાવ્યું કે સમાજ અને સરકાર સાથે મળીને કાર્ય કરે ત્યારે જ વ્યાપક અને સ્થાયી પરિણામો પ્રાપ્ત થાય છે.
શિક્ષણ ક્ષેત્રમાં થયેલા પરિવર્તનો અંગે તેમણે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જમીનસ્તર પર થયેલા સુધારાનું ઉત્તમ ઉદાહરણ છે. ભાષાના આધારે થતો ભેદભાવ દૂર કરવામાં આવ્યો છે અને હવે માત્ર ડિગ્રી નહીં પરંતુ સ્કિલ ડેવલપમેન્ટ અને ઈનોવેશનને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. યુવાનોને રિસર્ચ માટે અનુકૂળ વાતાવરણ, તેમજ એપ્રેન્ટિસશિપ દ્વારા અનુભવ મેળવવાની તકો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જે ભવિષ્યમાં મજબૂત સ્કિલ વર્કફોર્સ ઉભી કરશે. ગુજરાતના યુવાનોમાં રહેલી ઉદ્યોગશક્તિનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાનએ કહ્યું કે સ્ટાર્ટઅપ ઈન્ડિયા મિશન દ્વારા નાના શહેરોના યુવાનો પણ સફળ ઉદ્યોગપતિ બની રહ્યા છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં મહિલાઓની વધતી ભાગીદારી પણ પ્રગતિનું પ્રતીક છે. છેલ્લા દાયકામાં દેશે રમતગમતથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી નોંધપાત્ર સફળતાઓ મેળવી છે. આજે ગુજરાત મોડેલની સફળતા દેશભરમાં લાગુ થઈ રહી છે. તેમણે મહિલા સશક્તિકરણને વિકાસનો આધારસ્તંભ ગણાવ્યો હતો.
