PM Modi Roadshow:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વડોદરામાં ભવ્ય રોડ-શો; ઝલક જોવા-અભિવાદન કરવા માનવ મહેરામણ ઉમટ્યું,જુઓ તસવીરોમાં

જેમાં વડોદરાની જનતાએ પોતાના લોકલાડીલા જનનાયકને ભારે હર્ષોલ્લાસ અને ઉમળકાભેર આવકાર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિવાદન ઝીલતા લોકઉત્સાહ બેવડાયો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 11 May 2026 10:48 PM (IST)Updated: Mon, 11 May 2026 10:48 PM (IST)
prime-minister-narendra-modis-grand-road-show-in-vadodara-people-thronged-to-catch-a-glimpse-and-greet-him

PM Modi Roadshow:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે બપોર પછી તેમની કર્મભૂમિ વડોદરાની વિશેષ મુલાકાત લીધી હતી ત્યારે સરદારધામના લોકાર્પણ બાદ પ્રજા દર્શન અને લોક સંવાદના અનોખા સેતુ તરીકે રોડ શો ના માધ્યમથી ગદા સર્કલથી જૂના એરપોર્ટના ગેટ સુધી જાહેર યાત્રા કરીને લોક અભિવાદન ઝીલ્યું હતું, જેમાં વડોદરાની જનતાએ પોતાના લોકલાડીલા જનનાયકને ભારે હર્ષોલ્લાસ અને ઉમળકાભેર આવકાર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અભિવાદન ઝીલતા લોકઉત્સાહ બેવડાયો હતો.

naidunia_image

અંદાજે દોઢ કિલોમીટર લાંબા આ ઐતિહાસિક માર્ગ પર વડોદરાવાસીઓમાં પ્રધાનમંત્રીની ઝલક જોવા અને તેમનું અભિવાદન કરવા માટે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી સુઆયોજિત અને વ્યાપક વ્યવસ્થાના ભાગરૂપે સમગ્ર માર્ગ પર 16 જેટલા સુસજ્જિત મંચ ઊભા કરવામાં આવ્યા હતા. આ મંચો પરથી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની પ્રધાનમંત્રીની પરિકલ્પનાને સાકાર કરતી અનેકવિધ અભિનવ સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા.

naidunia_image

ગદા સર્કલ ખાતે પ્રથમ મંચ પરથી રોડ-શોના પ્રારંભે પદાધિકારીઓએ પ્રધાનમંત્રીનું અત્યંત ભાવસભર અને ઉષ્માપૂર્ણ અભિવાદન કર્યું હતું. ત્યારબાદ ગુજરાતની અસ્મિતાના પ્રતીક સમાન અને વિશ્વભરમાં નામાંકિત ગરબાની ઊર્જાસભર રમઝટ સાથે આ યાત્રા આગળ વધી હતી. માર્ગમાં ક્રમિક મંચો પરથી વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. જેમાં બંગાળી કલાકારોની નયનરમ્ય પ્રસ્તુતિ, અસમના ઐતિહાસિક વિજય અને વારસાને ઉજાગર કરતું બીહુ નૃત્ય, સરદાર સાહેબના પ્રેરક જીવનમૂલ્યોની ઝાંખી, તમિલનાડુનું શાસ્ત્રીય ભરતનાટ્યમ, કેરળના કાંતારા કલા જૂથની આકર્ષક કૃતિ, મણિપુરી નૃત્ય, કેરળ અને ઓરિસ્સાની કથકલી તથા જગતજનની મહાકાલીના પૂજન પર આધારિત ભક્તિમય કૃતિઓનો સમાવેશ થાય છે.

naidunia_image

તદુપરાંત, બાલ ગુરુજી દ્વારા નાદસ્વરમ, રામાયણના વિષયવસ્તુ પર કેન્દ્રિત 'અયોધ્યા' નૃત્ય, પ્રધાનમંત્રીની રાષ્ટ્ર વિકાસની યોજનાઓ આધારિત 'જય જય ગરવી ગુજરાત - મેક ઇન ઇન્ડિયા' થીમ, ભારતીય સેનાની શૂરવીરતાનું પ્રતીક 'ઓપરેશન સિંદૂર', સિગારી મેલમ ઢોલ વાદન અને સુપ્રસિદ્ધ પંજાબી ભાંગડા દ્વારા નીવડેલા કલાકારોએ પ્રધાનમંત્રીનું ભવ્ય અને અતિ યાદગાર સાંસ્કૃતિક સ્વાગત કર્યું હતું.

naidunia_image

આ સમગ્ર કાર્યક્રમ અનેકતામાં એકતા અને ભારતીય સાંસ્કૃતિક શ્રેષ્ઠતાના વારસાને આધુનિક વિકાસ તથા રાષ્ટ્રીય સુરક્ષાની સજ્જતા સાથે જોડીને ‘અતુલ્ય ભારત-સુદર્શનીય ભારત’ની ઉત્કૃષ્ટ ઝાંખી પૂરી પાડી રહ્યો હતો. વડોદરાની ભાવુક પ્રજાએ આ ઐતિહાસિક ક્ષણોને મનભરીને માણી હતી અને પોતાના પ્રિય નેતાના લાગણીભીના અભિવાદનની આ સુવાસ લાંબા સમય સુધી લોકોના હૃદયમાં જીવંત રહેશે.

આ રોડ શોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સંગઠનના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.