Modi Gift to Putin: નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલા બ્રિક્સ (BRICS) શિખર સંમેલન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ શિખર વાર્તા માત્ર રાજકીય કે આર્થિક ચર્ચાઓ પૂરતી સીમિત ન રહેતા, બંને દેશોના સદીઓ જૂના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવાનું માધ્યમ પણ બની હતી. બેઠક દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને મહાન તમિલ કવિ અને દાર્શનિક સંત તિરુવલ્લુવર દ્વારા રચિત પ્રાચીન ગ્રંથ 'તિરુક્કુરલ' (Thirukkural)નું વિશેષ રશિયન ભાષાંતર ભેટમાં આપ્યું હતું.
ભેટ આપતી વખતે PM મોદીએ શું કહ્યું?
રશિયન રાષ્ટ્રપતિને આ પવિત્ર પુસ્તક અર્પણ કરતી વખતે પીએમ મોદીએ તેમાં રહેલા માનવ મૂલ્યો વિશે માહિતી આપી હતી. વડાપ્રધાને કહ્યું હતું કે- આ તમિલ સંત તિરુવલ્લુવર દ્વારા 2000 વર્ષ પહેલાં લખાયેલું પુસ્તક છે, જે માનવ જીવનના મૂલ્યો અને તેની વિશેષતાઓ પર આધારિત છે. તમારા માટે ખાસ આ ગ્રંથનું રશિયન ભાષામાં અનુવાદ કરાવવામાં આવ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે આ પુસ્તક આપણા દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવા અને લોકો વચ્ચેનો સંપર્ક (People-to-people contact) વધારવાની દિશામાં ઐતિહાસિક કામ કરશે.

શું છે 'તિરુક્કુરલ' ગ્રંથ અને તેનું મહત્વ?
દક્ષિણ ભારતની સંસ્કૃતિમાં આ પુસ્તકનું સ્થાન ખૂબ જ ઊંચું છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે-
2000 વર્ષ જૂનો ઇતિહાસ: 'તિરુક્કુરલ'ની રચના પ્રખ્યાત તમિલ સંત, કવિ અને દાર્શનિક તિરુવલ્લુવરે કરી હતી. આશરે 2000 વર્ષ જૂના આ ગ્રંથને ક્લાસિકલ તમિલ સાહિત્યની સૌથી મહાન અને પ્રખ્યાત રચનાઓમાંની એક માનવામાં આવે છે.
જીવન જીવવાની કળા: આ કોઈ સામાન્ય પુસ્તક નથી, પરંતુ તેમાં માનવ જીવનના તમામ પાસાઓ આવરી લેવાયા છે. તેમાં નૈતિકતા, સુશાસન (Governance), મિત્રતા, ન્યાય અને વ્યક્તિના સામાજિક આચરણ જેવા ગહન વિષયો પર સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
વૈશ્વિક સ્વીકૃતિ: આ ગ્રંથની લોકપ્રિયતા અને તેમાં રહેલા સાર્વત્રિક મૂલ્યોને કારણે વિશ્વની અનેક ભાષાઓમાં તેનું ભાષાંતર કરવામાં આવ્યું છે.
ખાસ રશિયન સંસ્કરણની વિગતો
પુતિનને જે પુસ્તક ભેટમાં અપાયું છે, તે કોઈ સામાન્ય આવૃત્તિ નથી. આ પુસ્તક 'સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાસિકલ તમિલ' (Central Institute of Classical Tamil) દ્વારા વર્ષ 2026ના નવા એડિશન તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું છે.
આ વિશેષ આવૃત્તિમાં મૂળ તમિલ પાઠના છંદો (Verses)ને રશિયન ભાષામાં ઢાળવામાં આવ્યા છે.
આ ઐતિહાસિક ગ્રંથનું રશિયન ભાષામાં સચોટ અનુવાદ નાયરા મકર્ચયન (Naira Mkrtchyan) દ્વારા કરવામાં આવ્યું છે.

શા માટે આ ભેટ મહત્વપૂર્ણ છે?
આંતરરાષ્ટ્રીય કૂટનીતિ (Diplomacy)માં ભેટ-સોગાદોનું ઘણું મહત્વ હોય છે. પીએમ મોદી હંમેશા વિદેશી મહેમાનોને ભારતીય સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતી વસ્તુઓ ભેટમાં આપે છે. તિરુક્કુરલ પુસ્તકની આ ભેટ દર્શાવે છે કે ભારત અને રશિયાના સંબંધો માત્ર હથિયારો કે વેપાર પુરતા સીમિત નથી, પરંતુ બંને દેશો વૈચારિક અને સાંસ્કૃતિક સ્તરે પણ એકબીજાની ખૂબ નજીક છે.
