ગુજરાતમાં બનશે 'ઝીરો ફેટાલિટી કોરિડોર', SG હાઈવે અને રાજકોટ-અમદાવાદ હાઇવેનો સમાવેશ; જાણો કેવી રીતે કામ કરશે

એક રિપોર્ટ મુજબ માર્ગ અકસ્માતને કારણે ગુજરાતમાં દૈનિક સરેરાશ 21 નાગરિકોના મોત થયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 10 May 2026 09:38 AM (IST)Updated: Sun, 10 May 2026 09:38 AM (IST)
gujarat-zero-death-corridor-sg-highway-rajkot-ahmedabad-traffic-rules
HIGHLIGHTS
  • ગુજરાતમાં બનશે 'ઝીરો ફેટાલિટી કોરિડોર'
  • SG હાઈવે અને રાજકોટ-અમદાવાદ હાઈવે

Gujarat Road Accidents: ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા માર્ગ અકસ્માત અને તેમાં થતા મૃત્યુને રોકવા માટે રાજ્ય સરકારે કમર કસી છે. માર્ગ અકસ્માત અટકાવવા માટે રાજ્ય સરકારે ‘ઝીરો ફેટાલિટી કોરિડોર' તૈયાર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે, જેના પ્રારંભિક તબક્કામાં સરખેજ અને ગાંધીનગરને જોડતા SG હાઈવે અને રાજકોટ-અમદાવાદ હાઇવેના કેટલાક વિસ્તારને આવરી લેવામાં આવશે.

NCRB નો ચોંકાવનારો રિપોર્ટ અને ઓવરસ્પીડ

નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના વર્ષ 2024 ના અહેવાલ મુજબ ગુજરાતમાં માર્ગ અકસ્માતને કારણે દૈનિક સરેરાશ 21 થી વધારે નાગરિકોના કરુણ મોત થઈ રહ્યા છે. આ માર્ગ અકસ્માતોમાં થતા મોતને કારણે દેશના GDP ને પહેલેથી જ ત્રણથી પાંચ ટકા જેટલી નકારાત્મક અસર થઈ રહી છે.

રિપોર્ટમાં સામે આવ્યું છે કે, એક જ વર્ષમાં રોડ અકસ્માતમાં 7,717 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. આ પૈકી સૌથી ચોંકાવનારી બાબત એ છે કે 82 ટકા એટલે કે 6,314 લોકોના મોત પાછળ વાહનની ઓવરસ્પીડ મુખ્ય કારણભૂત છે. 

કેવી રીતે કામ કરશે ઝીરો ફેટાલિટી કોરિડોર?

આ 'ઝીરો ફેટાલિટી કોરિડોર' ને સફળ બનાવવા માટે હાઈવે પર અત્યાધુનિક ઈ-એન્ફોર્સમેન્ટ સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી રહી છે. આ માટે NHAI અને રાજ્યના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ (CoT) ના કેમેરા ફીડ્સને એકબીજા સાથે જોડવામાં આવશે.

આ સિસ્ટમ દ્વારા હેલ્મેટ ન પહેરવા, સીટ બેલ્ટ ન બાંધવા અને સ્પીડ લિમિટના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે ઈ-મેમો આપવાથી શરૂ કરીને લાયસન્સ રદ્દ કરવા સુધીની કડક કાર્યવાહી શરૂ કરવામાં આવશે. સરકારના સેક્રેટરીના જણાવ્યા અનુસાર આ ઈ-એન્ફોર્સમેન્ટ સિસ્ટમ હાલ એક્ટિવ છે, અને ટૂંક સમયમાં જ તેની કડક કાર્યવાહી શરૂ થઈ જશે.

વાહનચાલકો-પદયાત્રીઓ માટે વિશેષ સુરક્ષા

આંકડાકીય માહિતી મુજબ, ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં સૌથી વધુ 48.23 ટકા મૃત્યુદર ટુ-વ્હીલર ચાલકોનો છે. કુલ 3,722 ટુ-વ્હીલર ચાલકોના મૃત્યુમાંથી 81 ટકા લોકોના મોત પાછળ હેલમેટનો અભાવ હોવાનું સામે આવ્યું છે. જેને પગલે હવેથી હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાશે.

આ ઉપરાંત, બીજા ક્રમે અકસ્માતમાં સૌથી વધુ 22.64 ટકા મૃત્યુ રસ્તો ક્રોસ કરતા કે સાઈડ પર ચાલતા પદયાત્રીઓના થાય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, આ કોરિડોરમાં પદયાત્રીઓની સુરક્ષા માટે અવરોધ વગરના ફુટપાથ, સુરક્ષિત રોડ ક્રોસિંગ અને ટ્રાફિક નિયંત્રણની આધુનિક પદ્ધતિ વિકસાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.